સ્વસ્થ આહાર

1. સ્વસ્થ આહાર

માણસનો આહાર એના સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે. માણસ જાતના રોગોના ઇતિહાસમાં આહારનો અગત્યનો ફાળો છે. આજકાલ માણસનો આહાર અને અન્ય આદતો બિનઆરોગ્યપ્રદ થવાથી હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, કેન્સર વગેરે અનેક બીમારીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.

માણસનું જીવન જેટલું કુદરતની નજીક હોય છે એટલી એની જીવનશૈલી સ્વાસ્થ્યપ્રદ હોય છે. જેમ જેમ માણસ કુદરતથી દૂર જતો જાય છે એમ એમ એ પોતાના સ્વાસ્થ્યને નુકસાનકારક ટેવો પાડતો જાય છે. કુદરતના ખોળે ઉછરતા પહેલાના જમાનાના અનેક લોકોની ખઇરા, વ્યવસાય, ઊંઘ વગેરે ટેવો સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હતી. હજી આજે પણ ગામડાના લોકોમાં બિનસ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને કારણે થતા રોગોનું પ્રમાણ શહેરી લોકો કરતાં ઓછું છે. આ તફાવતનું મુખ્ય કારણ કુદરતના સાનિધ્યમાં વિકસેલી સ્વસ્થ જીવનશૈલી જ છે.

પહેલાંના યુગમાં માણસ માત્ર કુદરતી ફળ-શાક-ભાજી વગેરેનો વપરાશ ખાવામાં કરતો હતો. ધીમે ધીમે અનાજ કઠોળની ખેતી થતી ગઇ અને રાંધેલો ખોરાક લેવાનું શરૂ થયું. પરંતુ રાંધેલા ખોરાકની સાથે દિવસભર અન્ય કુદરતી ખોરાક (ફળ-શાક વગેરે) લેવાનું ચાલુ જ રહેતું. આ પછી પશુપાલન -ડેરી ઉદ્યોગ વધ્યા ઘીનો વપરાશ વધ્યો અને સમૃદ્ધ કુટુંબોમાં મોટી ઉંમરે હાર્ટએટેક તથા કેન્સર જેવી બીમારીનું પ્રમાણ વધ્યું. આ પછી તેલનો વપરાશ ખૂબ વધવા લાગ્યો, જીભના ચટપટા સ્વાદ માટે તેલ અને મીઠું (નમક) ખૂબ વપરાવા લાગ્યા. ખોરાક પોષણને બદલે સ્વાદ માટે ખવાવા લાગ્યો અને ઉપરોકત રોગો વધુ વ્યાપક બન્યા. માંસાહાર, ઇંડા વગેરેનો વપરાશ પણ ખૂબ વ્યાપક બનતો ગયો. ધીમે ધીમે માણસના ખોરાકમાંથી કુદરતી તત્વો ઘટતાં ગયાં મિલમાં પોલિશ કરેલા ચોખા અને રિફાઇન્ડ લોટ (મેંદો) વધુને વધુ વપરાશમાં આવતાં ગયાં.

શાક અને ફળો મોંઘાં થવાથી અને બધી જગ્યાએ મળતાં ન હોવાથી એનો વપરાશ ઘટયો. કાચાં શાકભાજીને બદલે ભરપૂર તેલ- મસાલાવાળાં શાક જ લોકો પસંદ કરવા લાગ્યા. જે વસ્તુ વધુ તેલ અને વધારે મીઠાવાળી હોય એ બધી વસ્તુઓ ફરસાણ, નમકીન કે અન્ય કોઇ નામે ખૂબ જ પ્રચલિત થઇ ગઇ. લોકોને પણ સાદા ખોરાકને બદલે મસાલેદાર, તળેલા ખોરાક વધુ પસંદ પડવા લાગ્યા. અને આજનો આપણો ખોરાક અસંતુલિત બની ગયો. 'ભૂખ લાગી છે માટે ખાવું છે એવું નહીં પણ 'સ્વાદ સારો છે માટે ખાવું છે આવી વૃત્તિ વધતી ગઇ. પરિણામે શરીરમાં જરૂર હોય કે ન હોય, ભાવતી વસ્તુ મળે કે તરત પેટમાં પધરાવવી એવી ટેવ બહુ વ્યાપક થઇ ગઇ. ખાદ્ય-પદાર્થની જાહેરાત નાના બાળકથી મોટા સુધી ઘણાંને લલચાવનારી- અકળાવનારી થઇ પડી અને ફેશનેબલ ખાદ્ય-પદાર્થો (તેલ-ઘી-બટર-ચીઝથી ભરપૂર ખાદ્ય-પદાર્થો) સામાન્ય વપરાશમાં વધુને વધુ પ્રમાણમાં આવવા લાગ્યા.

આમ, આજે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ઘણા લોકો શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાય છે પરિણામે પેટ વધે છે કે આખું શરીર વધે છે. ખોરાકમાં ચરબીયુકત પદાર્થો (તેલ-ઘી વગેરે) ખૂબ વધુ પ્રમાણમાં વપરાય છે. મીઠા(નમક)નો વપરાશ ખૂબ વધ્યો છે. ઘણા લોકો શરીરની જરૂર કરતાં દોઢથી બે ગણું મીઠું રોજ પેટમાં પધરાવતા હોય છે! તાજાં શાકભાજી, ફળો અને કઠોળ જેવા રેસાયુકત પદાર્થોનો વપરાશ ઘટયો છે. ખોરાકનાં આ બધાં પરિવર્તનોની સાથે સાથે યંત્રો વધ્યાં, શારીરિક શ્રમ ઘટયો, માનસિક ચંતાઓ વધી, વ્યસનો વધ્યાં અને આ બધાનું પરિણામ પણ બીમારીઓ વધારવામાં જ આવ્યું. વિકાસનું અને બિનસ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનું પરિણામ આજે સમાજ ભોગવી રહ્યો છે.

ભારતીય પ્રજા અને એમાં પણ ગુજરાતીઓ એમની બિનસ્વાસ્થ્યપ્રદ ખોરાકની ટેવો તથા જનીનિક બંધારણને કારણે આજે હ્રદયરોગ જેવી બીમારીનો સહેલાઇથી ભોગ થઇ જાય છે. આજે આપણામાંથી ઘણા લોકો પોતાના ખોરાકથી પોતાના શરીરને નુકસાન થાય છે એ જાણતા નથી કે સ્વીકારી શકતા નથી અને જે સ્વીકારે છે એમાંથી ખૂબ ઓછા ખોરાકમાં સ્વાસ્થ્ય માટે જરૂરી પરિવર્તન કરી શકે છે.

તાજેતરનો એક અભ્યાસ બતાવે છે કે, વ્યક્તિનું ભણતર અને સમૃદ્ધિ જેમ વધે છે તેમ કુલ ચરબી અને સંતૃપ્ત ચરબીનું ખોરાકમાં પ્રમાણ વધે છે; અને મોનો અનસેચ્યુરેટેડ તથા લિનોલેનીક એસિડ જેવાં ચરબીનાં ફાયદાકારક ઘટકોનું પ્રમાણ ઘટે છે. આમ, ભણતર અને સમૃદ્ધિ વધતાં જાય એમ હ્રદયરોગ અને કેન્સર જેવા રોગો કરવા માટે જવાબદાર બિનસ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ વધતો જાય છે. હ્રદયરોગ અટકાવવા માટે સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ ખોરાક એટલે ગરીબ માણસનો પરંપરાથી ચાલી આવતો ઓછા ઘી-તેલ વાળો સાદો ખોરાક એવુ વિશ્વભરનાં સંશોધનો જણાવે છે. અલબત્ત, ઓછા ઘી-તેલની સાથે વધુ શાક-ફળ-કઠોળ લેવાથી વધુ ફાયદો થાય છે.