બહુ સામાન્ય રીતે જોવા મળતો પુખ્તવયનો ડાયાબિટીસ (જે ટાઇપ-૨ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે) શા કારણે થાય છે એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયુ નથી. સંભવિત કારણોની ચર્ચા નીચે કરી છે.
આ ડાયાબિટીસ એક જ કુટુંબના ઘણા સભ્યોમાં જોવા મળે છે પરંતુ એનો વારસો કોને મળશે અને કોને નહિ એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયું નથી. યુવાન વયે ટાઇપ-૨ ડાયાબિટીસ થાય તો એ MODY (Maturity Onset Diabetes of Young) તરીકે ઓળખાય છે. આ પ્રકારના ડાયાબિટીસ ચોકકસપણે વંશપરંપરાગત જોવા મળે છે. ત્રણ પેઢીઓ સુધી આ રોગ સીધો ઉતરી આવેલ જોવા મળે છે. બે સમાન જોડિયા બાળકમાં જો એકને ટાઇપ-૨ ડાયાબિટીસ થાય તો બીજાને સો ટકા એ થાય જ! ડાયાબિટીસના દર્દીના ભાઇબહેનોમાંથી ચાળીસ ટકાને અને બાળકોમાંથી તેત્રીસ ટકાને ડાયાબિટીસ થાય જ છે. માનવકોષમાં રહેલ ક્રોમોઝોમ્સ (રંગસૂત્ર) ની ૧૧મી જોડમાં ખામી હોય તો ડાયાબિટીસ થાય છે.
ટાઇપ-૨ ડાયાબિટીસ ચાળીસ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. ઉંમર વધવાની સાથે મોટાભાગની વ્યક્તિઓમાં ગ્લુકોઝનું નિયંત્રણ ઘટતુ જાય છે. ઉંમરના દર દાયકાએ ભૂખ્યા પેટે માપવામાં આવતા લોહીના ગ્લુકોઝમાં ૧-૨ મિ.ગ્રા./ડે.લી. જેટલો વધારો થાય છે અને જમ્યા પછીના લોહીમાં આ વધારો હજી મોટો હોય છે. ઉંમરની સાથોસાથ ઇન્સ્યુલિનની કામગીરીમાં અવરોધ (રેઝીસ્ટંટ) વધતો જાય છે. એટલે જેટલા ઇન્સ્યુલિનથી પહેલાં લોહીનો ગ્લુકોઝ નિયંત્રણમાં રહેતો હતો એટલું ઇસ્યુલીન ઉંમર વધતાં ઓછું પડે છે. આવું થવા પાછળ નીચે જણાવેલ ઘણાં પરિબળો કામ કરતા હોય છે:
આમ, વધતી ઉંમર ટાઇપ-૨ ડાયાબિટીસ કરવા માટે ઘણાં કારણો પૂરા પાડે છે.
પુખ્તવયની વ્યક્તિઓમાં વજન વધવાની સાથે ડાયાબિટીસ થવાની શકયતાઓ પણ વધતી જાય છે. મેદસ્વીતાનું પ્રમાણ નકકી કરવા માટે બોડી માસ ઇન્ડેક્ષ તરીકે ઓળખાતો સ્કેલ માપ વપરાય છે. વ્યક્તિના વજન (કિલોગ્રામમાં) ને એની ઊંચાઇ (મીટરમાં) ના વર્ગથી ભાગવાથી બોડી માસ ઇન્ડેક્ષની ગણતરી થઇ શકે છે. તંદુરસ્ત વ્યક્તિનો ઇન્ડેક્ષ ૨૭ થી વધારે નથી હોતો. જે વ્યક્તિમાં બોડીમાસ ઇન્ડેક્ષ ૪૦ કે તેથી વધારે હોય તે વ્યક્તિને ડાયાબિટીસ થવાની શકયતા નોર્મલ ઇન્ડેક્ષવાળી વ્યક્તિ કરતાં ત્રણ ગણી વધી જાય છે! પરંતુ આ મેદસ્વીતાનું ડાયાબિટીસ સાથેનું સગપણ માનવવંશ (RACE) સાથે બદલાય છે. પીમા ઇન્ડીયન નામના વંશના મેદસ્વી લોકોમાં જેટલા પ્રમાણમાં ડાયાબિટીસ છે તેની કરતાં સોમાં ભાગનો ડાયાબિટીસ અમેરિકન વ્હાઇટસ વંશમાં છે.
બીજા એક અભ્યાસ મુજબ માત્ર મેદસ્વીતા જ નહીં પણ શરીરમાં વધારાની ચરબીની જગ્યાને આધારે ડાયાબિટીસ થવાની શકયતા બદલાય છે. પેટની આસપાસ વધુ પડતી ચરબી ધરાવનાર વ્યક્તિના કોષો પર ઇસ્યુલીનની અસર ખૂબ ઓછી થાય છે. એટલે, જે વ્યક્તિના પેટની આસપાસ વધુ ચરબી જમા થઇ હોય એ વ્યક્તિમાં ડાયાબિટીસ થવાની શકયતા વધુ રહે છે. (જયારે પગ, સાથળ કે પીઠના નીચેના ભાગે જમા થયેલ ચરબીથી ડાયાબિટીસ થવાની શકયતા વધતી નથી.)
વ્યક્તિનું જીવન જેટલું બેઠાડુ એટલી ડાયાબિટીસ થવાની શકયતાઓ વધારે રહે છે. કસરતથી ઇન્સ્યુલિનની અસરકારકતામાં વધારો થાય છે. એથ્લેટ્સ (કસરતબાજો) ના શરીરના કોષો ઇન્સ્યુલિનની બહુ ઓછી માત્રાથી ગ્લુકોઝ નિયમનનુ કામ કરી લે છે. જયારે બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિઓને ગ્લુકોઝ નિયમન માટે વધુ માત્રામાં ઇન્સ્યુલિન જોઇએ છે. જેમ જેમ વ્યક્તિ ધનવાન થતો જાય છે તેમ તેમ એની ખાવા પીવા ઊઠવા બેસવાની આદતોમાં કંઇક એવા પરિવર્તનો આવે છે કે જેને કારણે ડાયાબિટીસ થવાની શકયતા વધતી જાય છે. ગામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં રહેતા ભારતીયોમાંથી આશરે એક ટકા લોકો ડાયાબિટીસનો ભોગ બને છે. મુંબઇ, કલકત્તા જેવાં મોટાં શહેરોમાં વસતા ભારતીયોમાંથી બે ટકા લોકો ડાયાબિટીસનો શિકાર બને છે. જયારે પરદેશમાં વસતા ભારતીયોમાંથી ચાર ટકા લોકોને ડાયાબિટીસની બીમારી લાગુ પડે છે.
શરીરના અન્ય અંત:સ્રાવો (એડ્રીનાલીન, સ્ટીરોઇડ, ગ્લુકાગોન, ગ્રોથ હોર્મોન વગરે) નું પ્રમાણ વધી જાય ત્યારે એમની ઇન્સ્યુલિન વિરોધી અસરોને લીધે ગ્લુકોઝ નિયમન ખોરવાઇ જાય છે અને ડાયાબિટીસની બીમારી દેખા દે છે. એ જ રીતે કેટલીક દવાઓ (ડાઇયુરેટીકસ, ગર્ભનિરોધક ગોળીઓ, સ્ટીરોઇડ્સ વગેરે) શરીરમાં છુપાયેલ ડાયાબિટીસને છતો કરવામાં ભાગ ભજવી શકે છે.
માનસિક તાણને કારણે પણ ડાયાબિટીસ થવાની શકયતા વધી જાય છે. માનસિક તાણને કારણે શરીરમાં ઇન્સ્યુલિન-વિરોધી અંત:સ્રાવોનું પ્રમાણ વધી જાય છે અને ઇન્સ્યુલિનનુ ઉત્પાદન ઘટી જાય છે જેને પરિણામે લાહીમાં શુગર વધવા લાગે છે.
ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ કરવા માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. ડાયાબિટીસની બંદૂકમાં ગોળી ભરવાનું કામ વારસાગત (જનીનિક) પરિબળો કરે છે. જયારે બંદૂક ફોડવાનું કામ રહેણી-કરણી (બાહ્ય પરિબળો) કરે છે. હજી સુધી કોઇ એક ચોકકસ કારણ બધા દર્દીઓને લાગુ નથી પડી શકતું અને મોટા ભાગનાં દર્દીઓમાં ડાયાબિટીસનું કારણ છેક સુધી અજાણ જ રહે છે.