ડાયાબિટીસ
ડાયાબિટીસ
થવાનું ચોકકસ કારણ હજી આજ દિન સુધી વૈજ્ઞાનિકો શોધી નથી શકયા તેમ છતાં
ડાયાબિટીસના કારણ સાથે સંકળાયેલ કેટલીક હકીકતો શોધી શકાઇ છે. એક તથ્ય બધા
વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે બાળપણમાં થતો ડાયાબિટીસ ઉર્ફે ટાઈપ-૧
(ઇન્સ્યુલિન આધારિત) અને પુખ્તવયે થતો ડાયાબિટીસ ઉર્ફે ટાઇપ-૨ (ઇન્સ્યુલિન
બિનઆધારિત) ડાયાબિટીસ તદ્ન જુદા જુદા કારણોથી થાય છે જેની ચર્ચા જુદાં
જુદાં વિભાગમાં કરી છે.
બાળપણમાં ટાઈપ-૧ (ઈન્સ્યુલીન આધારિત) ડાયાબિટીસ થવાના કારણો અંગે ખૂબ
સંક્ષિપ્તમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ટાઇપ-૧ ડાયાબિટીસ થવાનું કારણ
શરીરના રોગપ્રતિકારક તંત્રની ભૂલ છે જેને પરિણામે સ્વાદુપિંડમાં
ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષો (બીટા કોષ) પર શરીરના રોગપ્રતિકારક
(ઇમ્યુન) તંત્રના સૈનિકો (શ્વેતકણો) ચડાઇ કરે છે અને ધીરે ધીરે બધાં જ બીટા
કોષ નાશ પામે છે! પણ ના, વાત સાવ આવી સીધી ને સટ નથી. અમુક જ લોકોનું
રોગપ્રતિકારક તંત્ર શા માટે આવી ભૂલ કરે છે? ડાયાબિટીસ ધરાવતાં મા-બાપનાં
બાળકોમાં શા માટે વધુ પ્રમાણમાં ડાયાબિટીસ જોવા મળે છે? શું કોઇ વાતાવરણનું
પરિબળ ડાયાબિટીસ કરવામાં ફાળો આપી શકે? વગેરે અનેક પ્રશ્નો વર્ષોથી ઘુમરાય
છે. આ પ્રશ્નોના ઉત્તર શોધવા માટે થયેલ શોધખોળો પ્રશ્નોના આંશિક ઉત્તર જ
આપી શકે છે, તે છતાં દરેક અગત્યના પરિબળનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
બાળપણના
ડાયાબિટીસનો રોગ કુટુંબમાં ચાલ્યો આવતો હોય છે. ડાયાબિટીસના દર્દીના
નજીકના સગાઓ પૈકી દર વીસ વ્યક્તિએ એક વ્યક્તિ ડાયાબિટીસના રોગવાળી મળી
આવશે. જોડિયા બાળકોમાં એકને ડાયાબિટીસ થયો હોય તો બીજા બાળકને પણ ડાયાબિટીસ
થવાની શકયતા પચાસ ટકા જેટલી હોય છે.
ડાયાબિટીસના દર્દીના જુદાં જુદાં સગાઓને ડાયાબિટીસ થવાની શક્યતા આ
પ્રમાણે છે :- (૧) દર્દીનાં ભાઈ બહેનને કે માતા પિતાને પાંચ ટકા; (૨)
ડાયાબિટીસ ધરાવનાર પિતાના સંતાનોને છ ટકા; (૩) માતા અને પિતા બંનેને
ડાયાબિટીસ હોય તો સંતાનોને ત્રીસ ટકા; (૪) જે વ્યક્તિના ભાઇ / બહેન અને
માતા / પિતાને ડાયાબિટીસ હોય તે વ્યક્તિને ડાયાબિટીસ થવાની શકયતા ત્રીસ ટકા
જેટલી રહે છે.
દરેક
વ્યક્તિ બીજી વ્યક્તિઓથી કેટલીક ખાસ બાબતમાં જુદી પડતી હોય છે. વ્યક્તિના
દરેક કોષોને પોતાની આગવી ઓળખ હોય છે. એક વ્યક્તિના બધા કોષોની ઓળખ અન્ય
વ્યક્તિના બધા કોષો કરતાં જુદી હોય છે. વૈજ્ઞાનિકોએ આ કોષોની ઓળખનો અભ્યાસ
કરીને આને માટે જવાબદાર કેટલાંક ખાસ પ્રકારનાં પ્રોટીન શોધી કાઢયાં છે જે
HLA તરીકે ઓળખાય છે. આ પ્રોટીનને આધારે જ શરીરનું રોગપ્રતિકારક તંત્ર
શરીરના પોતીકા કોષો અને પારકા કોષો વચ્ચેનો ભેદ ઓળખી શકે છે. આપણે આગળ જોઇ
ગયા કે બાળપણમાં ડાયાબિટીસ કરવામાં રોગપ્રતિકારક તંત્રની પોતીકા કોષોને
ઓળખી ન શકવાની ભૂલ જવાબદાર હોય છે. જે વ્યક્તિમાં અમુક ચોકકસ પ્રકારના HLA
પ્રોટીન હોય (દા.ત. HLA DQB1 - 0302/0201)) તે વ્યક્તિમાં રોગ પ્રતિકારક
તંત્રની આવી ભૂલ વધુ પ્રમાણમાં થતી હોય છે.
એક
સરખો વારસો કે એક સરખા HLA પ્રકાર હોવા છતાં કેમ એકને ડાયાબિટીસ થાય છે
અને બીજાને નથી થતો? આ સવાલનો હલ શોધતાં શોધતાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું
કે અમુક પ્રકારના વાઇરસનો ચેપ ફેલાયા પછી બાળપણનાં ડાયાબિટીસના દર્દીઓમાં
અચાનક વધારો થાય છે. સ્વીડનના એક અભ્યાસ પ્રમાણે ગાલપચોળાના વાવર પછી અને
બ્રીટનના એક અભ્યાસ પ્રમાણે કોકસેકી વાઇરસનો ચેપ ફેલાયા પછી ડાયાબિટીસના
કિસ્સા વધે છે. અત્યારના સિધ્ધાંત મુજબ વાઇરસનો ચેપ લાગવાથી કાં તો
સ્વાદુપિંડના બીટા કોષોમાં અથવા રોગપ્રતિકારક તંત્રના કોષોમાં અમુક ફેરફારો
થાય છે જેને કારણે રોગપ્રતિકારક તંત્ર સીધા બીટા કોષો પર જ હુમલો કરી એનો
નાશ કરે છે જેને પરિણામે, ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અને ડાયાબિટીસ
થાય છે. આ સિવાય અન્ય કોઇ બાહ્ય પરિબળ (દવા, ખોરાક વગેરે) પણ ડાયાબિટીસની
શરૂઆત કરવા માટે જવાબદાર હોઇ શકે જે અંગે સંશોધનો ચાલુ જ છે. આટલી બઘી શોધ
થવા છતાં અમુક વ્યક્તિને ડાયાબિટીસ થશે કે નહીં એ ચોકકસપણે કહી શકાતું નથી.
આ અંગેની માત્ર આંકડાકીય સંભાવનાઓ જ જાણી શકાય છે.
અત્યારના સિધ્ધાંત મુજબ વારસામાં અમુક જનિન-પકૃતિ
મેળવનાર બાળકને વાઇરસનો ચેપ લાગવાથી રોગપ્રતિકારક તંત્ર ભૂલથી વાઇરસને બદલે
ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરનાર કોષો પર જ હુમલો કરી એનો નાશ કરે છે જેને
પરિણામે, ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અને ડાયાબિટીસ થાય છે.