ડાયાબિટીસ
સૌ
પ્રથમ તો 'શુગર' એટલે શું એ સમજી લઇએ. 'શુગર'નો અર્થ ગુજરાતીમાં 'સાકર' કે
સંસ્કૃતમાં 'શર્કરા' થઇ શકે. સામાન્ય રીતે જયારે લોહી કે પેશાબમાં રહેલ
'શુગર'ની વાત ચાલતી હોય ત્યારે એ ગ્લુકોઝની વાત છે એમ માનવું. ગ્લુકોઝ એ
શરીરનાં કોષોને શક્તિ પૂરી પાડનારું એક અગત્યનું બળતણ છે. આપણા ખોરાકમાં
શક્તિનાં મુખ્ય ત્રણ ઘટકો હોય છે - કાર્બોહાઇડ્રેટ; પ્રોટીન અને ચરબી. આ
ત્રણમાંથી સૌથી વધુ હિસ્સો ધરાવનાર કાર્બોહાઇડ્રેટ જુદા-જુદા અનેક સ્વરૂપે
ખોરાકમાં હોય છે. અનાજ, દાળ, બટેટાં, શકકરિયાં, કંદ, ફળો, શાક વગેરેમાં
કાર્બોહાઇડ્રેટનો હિસ્સો ઘણો મોટો હોય છે. જયારે જુદા-જુદા સ્વરૂપે
કાર્બોહાઇડ્રેટને ખોરાકમાં લેવામાં આવે ત્યારે ખોરાકનું પાચન થયા પછી છેવટે
મોટાભાગનો હિસ્સો ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે.
આખી રાત દરમ્યાન કંઇ ખાધું ન હોય તો બીજે દિવસે સવારે ભૂખ્યા પેટે દર
૧૦૦ મિ.લી. લોહીમાં આશરે ૭૫ થી ૧૧૫ મિ.ગ્રા. જેટલો ગ્લુકોઝ તંદુરસ્ત
વ્યક્તિમાં જોવા મળે છે. ખોરાક લીધા પછી, એમાંથી પચીને છુટો પડેલ ગ્લુકોઝ,
બે-ત્રણ કલાકના સમયમાં જ લોહીમાં ભળી જાય છે. દરરોજ ખોરાક લીધા પછી આશરે
અડધા કલાકથી બે કલાક સુધીના સમય દરમ્યાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી
જાય છે. સામાન્ય રોજિંદો ખોરાક લીધા પછી બે કલાક પછી તદુંરસ્ત વ્યક્તિના
લોહીમાં ગ્લુકોઝનુ પ્રમાણ હંમેશા ૧૪૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું જ હોય છે;
અને આ બે કલાક દરમ્યાનના કોઇપણ સમયે ગ્લુકોઝનું પ્રમાણ ૧૮૦
મિ.ગ્રા./ડે.લી. કરતા ઓછું જ હોય છે. તંદુરસ્ત માણસના પેશાબમાં સામાન્ય
રીતે બિલકુલ શુગર હોવી ન જોઇએ.
ડાયાબિટીસના
મુખ્ય વિભાગોનું નિદાન કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કેટલાંક
પ્રમાણ (CRITERIA) નકકી કર્યાં છે. વ્યક્તિના લોહીમાં રહેલ ગ્લુકોઝના
પ્રમાણના આધારે આ નિદાન નકકી થાય છે. લોહીમાં રહેલ ગ્લુકોઝ જુદી જુદી
પધ્ધતિઓથી તપાસવામાં આવે છે, પણ સામાન્ય રીતે લેબોરેટરીમાં લોહીનો પ્લાઝમા
તરીકે ઓળખાતો ભાગ તપાસવામાં આવતો હોવાથી પ્લાઝમા ગ્લુકોઝનુ પ્રમાણ સાથેના
કોષ્ટકમાં લીધુ છે. જયારે ગ્લુકોમીટરથી ગ્લુકોઝ માપવામાં આવે ત્યારે એનું
પ્રમાણ આ કોષ્ટકમાં દર્શાવેલ પ્રમાણ કરતાં ૧૫ થી ૨૦ મિ.ગ્રા. ઓછું હોય છે.
ડાયાબિટીસના નિદાન માટે જરૂરી ગ્લુકોઝનું પ્રમાણ
લોહીમાં ગ્લુકોઝ (મિ.ગ્રા./ડે.લી.) |
તંદુરસ્ત |
ડાયાબિટીસ મેલાઇટસ |
અપૂરતું ગ્લુકોઝનિયમન |
સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ |
ભૂખ્યા પેટે (ખોરાક લીધા પછી ૮ થી ૧૪ કલાકે)
| ૧૧૦ થી ઓછું
| ૧૨૬ થી વધુ
| ૧૧૦ થી ૧૨૬
| ૧૦૫ થી વધુ
|
ગ્લુકોઝ પીધા પછી અડધા/એક કે દોઢ કલાકે
| ૧૮૦ થી ઓછું
| ૨૦૦ થી વધુ
| ૨૦૦ કે તેથી વધુ
| ૧૯૦ થી વધુ
|
ગ્લુકોઝ પીધા પછી બે કલાકે
| ૧૪૦ થી ઓછું
| ૨૦૦ થી વધુ
| ૧૪૦ થી ૨૦૦
| ૧૬૫ થી વધુ
|
ગ્લુકોઝ પીધા પછી ત્રણ કલાકે
| ૧૪૦ થી ઓછું
|
|
| ૧૪૫ થી વધુ
|
ડાયાબિટીસનું નિદાન કરવા માટેના મુદ્દાઓ:
- જો બે અલગ અલગ દિવસે, આઠથી ચૌદ કલાક ભૂખ્યા રહ્યા પછી, લોહીમાં
ગ્લુકોઝનું પ્રમાણ ૧૨૬ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ હોય તો એ વ્યક્તિને
ડાયાબિટીસ છે એવું કહી શકાય.
- જો ઓછામાં ઓછી બે વખત, દિવસના કોઇપણ સમયે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ
૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને પણ ડાયાબિટીસ છે
એવું કહી શકાય.
- જયારે ગ્લુકોઝનું પ્રમાણ ૧૪૦ થી ૨૦૦ મિ.ગ્રા./ડે.લી.ની વચ્ચે હોય
ત્યારે દર્દીનાં લક્ષણોને આધારે અને જરૂર પડયે ગ્લુકોઝ પીવડાવીને કરેલ
ટેસ્ટને આધારે ડાયાબિટીસ છે કે નહીં તે નકકી કરવું પડે છે.
- સામાન્ય રીતે લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ ગ્લુકોઝ હોય
ત્યારે જ એ પેશાબમાં દેખાય છે. એટલે કોઇ વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝ (શુગર)
આવતી હોય તો એને (અમુક અપવાદો બાદ કરતાં) ડાયાબિટીસ હોવાની શકયતા પૂરેપૂરી
રહે છે. પેશાબમાં ગ્લુકોઝ છે કે નહીં એ નકકી કરવું ખૂબ આસાન હોવાથી ઘણી
જગ્યાએ ડાયાબિટીસના નિદાનને ચકાસવા માટે પેશાબનો ટેસ્ટ જ કરવામાં આવે છે. આ
રીતે કરેલ ટેસ્ટ, લોહીના ટેસ્ટ કરતાં ઓછી ચોકસાઇવાળી પણ ખૂબ સરળ અને સસ્તો
પડે છે. ઓછી સુવિધાવાળી જગ્યાઓએ (દા.ત. ગામડાઓમાં) આ રીત ઘણી ઉપયોગી થાય
છે.
ગ્લુકોઝ પીધા પછી (૧) બે કલાકની અંદરનું અને (૨) બરાબર બે કલાકે લીધેલ
સેમ્પલ - આ બંને ૨૦૦થી વધુ ગ્લુકોઝ બતાવે તો તાત્કાલિક ડાયાબિટીસનું નિદાન
પાકું થઇ જાય છે. ગ્લુકોઝ પીવડાવ્યા પછી લોહીનો ટેસ્ટ કરાવવો હોય તો એ
ટેસ્ટના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં દર્દીનો ખોરાક તદ્દન સામાન્ય (દિવસના
ઓછામાં ઓછા ૧૫૦ ગ્રામ ગ્લુકોઝ ધરાવતો) હોવો જોઇએ. ૨૫૦ થી ૩૦૦ મિ.લી.
પાણીમાં ૭૫ ગ્રામ (સગર્ભાવસ્થામાં ૧૦૦ ગ્રામ) ગ્લુકોઝ નાંખીને ટેસ્ટ કરવો
જોઇએ.
જો ઓછામાં ઓછી બે વખત દિવસના કોઇપણ સમયે લોહીમાં
ગ્લુકોઝનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને
ડાયાબિટીસ છે.