ડાયાબિટીસ

અનુક્રમણિકા

13. પુખ્ત વયે ડાયાબિટીસથી બચવું હોય તો સ્વસ્થ જીવન શૈલી અપનાવો

આપણાં દેશમાં પુખ્તવયે થતો (ટાઇપ-૨) ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા હશે એ નિ(ર્વવાદ છે. બેઠાડું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે. મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંખે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે.

કેટલાંક લોકોના મનમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઇ હોય છે કે ડાયાબિટીસની બીમારી તો વધુ ગળપણ ખાનાર ને જ થાય! હકીકતમાં ડાયાબિટીસની બીમારી નોંતરવામાં ગળપણ કરતાં વધુ ખતરનાક ભૂમિકા ચરબીની હોય છે. ચરબી એટલે કે ઘી-તેલ-માખણ-મલાઇ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેમ જેમ પેટની આસપાસ ચરબી જમા થયા કરે તેમ તેમ પેટનો ઘેરાવો વધતો જાય છે. પેટના અવયવોની આસપાસ ભેગી થયેલી ચરબી ઇન્સ્યુલીન નામના, ગ્લુકોઝ (શુગર)નું શરીરમાં નિયંત્રણ કરતાં, અંત:સ્ત્રાવની અસર ઘટાડી નાંખે છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું હોવા છતાં પેટની આસપાસ જમાં થયેલી ચરબીએ ઇન્સ્યુલિનને સારી રીતે કામ કરવા નથી દેતી જેને પરિણામે પુખ્ત વયે ડાયાબિટીસની બીમારી ઉદભવે છે.

મોટા ભાગના શહેરના યુવાનો જ્યાં સુધી શાળા-કોલેજમાં હોય ત્યાં સુધી શારીરિક રીતે વધુ સક્રિય હોય છે. પરંતુ પચ્ચીસેક વર્ષની આસપાસથી એમની શારીરિક સક્રિયતા ઘટતી જાય છે અને પેટનો ઘેરાવો વધતો જાય છે. ત્રીસ-પાંત્રીસ વર્ષે શરીરની બેડોળતા સ્વરૂપે ફાંદ દેખાવા માંડે છે. શરીરનું વજન ભલે બહું વધુ ન હોય પણ ફાંદ દેખાવા લાગે એટલે કે પેટનો ઘેરાવો વધવા લાગે એટલે ડાયાબિટીસનું જોખમ પણ વધતું જાય છે. કસરતનો અભાવ અને ખોરાકમાં વધુને વધુ ચરબી ઘરાવતાં ફરસાણ, ફાસ્ટ ફૂડ કે અન્ય ફેશનેબલ ચરબીયુક્ત ખોરાક લેવાથી ચાલીસેક વર્ષની આસપાસ ડાયાબિટીસની બીમારી લાગુ પડી જાય છે. કેટલાંય શહેરી બાળકો પણ યોગ્ય માવજતને અભાવે એકદમ સ્થૂળ અને જાડા થઇ જાય છે. પૂરતી શારીરિક રમત કે કસરતનો અભાવ અને ખોરાકની બેકાળજી નાનપણમાં જ બાળકના શરીરને રોગીષ્ઠ બનાવી દે છે.

    ♥ ડાયાબિટીસ અટકાવવા માટેના અગત્યના પગલાં