ડાયાબિટીસની બીમારીની સારવારમાં સૌથી પહેલાં ખોરાકની પરેજી આવે છે. કસરત કરવી અને વજન ઘટાડવું એ ડાયાબિટીસની બીમારી માટે બીજી અગત્યની બાબત છે. જો આ સાદા અને દવા વગરના ઇલાજોથી ડાયાબિટીસ કાબૂમાં ન રહે તો જ દવાઓ અને ઈન્જેકશનો લેવાં પડે છે. અહીં ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકની પરેજી, કસરત, દવાઓ અને ઇન્સ્યુલિન ઈન્જેકશનો અંગે વિગતે વારાફરતી ચર્ચા કરી છે.
પુખ્તવયના ડાયાબિટીસમાં ખોરાકની પરેજી અંગે વૈજ્ઞાનિકોમાં પણ ઘણાં વર્ષોથી ચર્ચા વિચારણા થયા કરે છે અને જેમ જેમ નવી નવી શોધ થતી રહે છે તેમ તેમ ખોરાકી પરેજી અંગેનાં સલાહ સુચનો બદલાતાં રહે છે. ઇન્સ્યુલિનની શોધ થઇ એ પહેલાના (સદીઓ જુના) જમાનામાં ડાયાબિટીસના દર્દીના પેશાબમાં શુગર જતી હોવાથી એનુ પ્રમાણ શરીરમાં જાળવી રાખવાના ઉદ્દેશથી એવા દર્દીને વધુ સાકર ખવડાવવામાં આવતી! આ પછી જમાનો બદલાતો ગયો. એક પછી એક શોધે આપણા ડાયાબિટીસ તથા ખોરાક અંગેના ખ્યાલો બદલ્યા. ડાયાબિટીસના દર્દીને ખોરાક અંગે જે સલાહ આપવામાં આવે છે તે આજથી વીસ વર્ષ પહેલાં કંઇક જુદી જ હતી એટલે પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલાં જે દર્દીને ડાયાબિટીસ થયો હોય એ દર્દીને ઘણી જુદી જુદી બદલાતી રહેતી ખોરાકી સલાહ સાંભળવા મળી હોય એવું બને. હજી આજની તારીખે પણ સર્વસ્વીકૃત ખોરાકી પરેજી શોધાઇ નથી. અહીં લખેલ પરેજી પણ થોડાં વર્ષોમાં બદલાઇ જાય એવી પૂરી શકયતાઓ સાથે પરેજીની ચર્ચા કરી છે. સૌથી પહેલાં ખોરાકી પરેજીની જરૂરિયાત અંગે જ ચર્ચા કરી લઇએ. ડાયાબિટીસની બીમારીમાં લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, એ સૌ કોઇ જાણે છે. ખોરાકનું પાચન થાય ત્યારે એમાં રહેલ ગ્લુકોઝ ઘણા મોટા પ્રમાણમાં આંતરડામાંથી લોહીમાં જાય છે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે કે તરત જ એ ગ્લુકોઝને લોહીમાંથી જુદા જુદા કોષોની અંદર પહોંચાડી દેવા માટે ઇન્સ્યુલિન નામનો અંત:સ્રાવ ઝરે છે. જેટલા પ્રમાણમાં ગ્લુકોઝ વધે એટલા પ્રમાણમાં તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન ઝરે છે અને ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત રહે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીમાં કાં તો જરૂર જેટલું ઇન્સ્યુલિન બનતું નથી અથવા તો બનેલું ઇન્સ્યુલિન જરૂરી અસરો કરી શકતું નથી. આને લીધે જયારે પણ ડાયાબિટીસનો દર્દી કંઇ ખોરાક લે ત્યારે એના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘણું વધી જવાની શકયતા રહે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અમુક હદથી (ભયજનક સપાટીથી) વધે પછી આ ગ્લુકોઝથી લાભ થવાને બદલે નુકસાન થવા લાગે છે. અને જેટલો લાંબો સમય ગ્લુકોઝનું પ્રમાણ ભયજનક સપાટીની ઉપર રહે એટલા પ્રમાણમાં નુકસાન વધારે થાય છે.
મોટા ભાગના ખાદ્યપદાર્થો ત્રણ મુખ્ય ઘટકમાંથી બનતા હોય છે:- (૧) કાર્બોહાઇડ્રેટ (૨) ચરબી (૩) પ્રોટીન. આ દરેક ઘટકનું ચોકકસ પ્રમાણ જાળવીને ખોરાકની પરેજી નકકી કરવી પડે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના મત પ્રમાણે ડાયાબિટીસના દર્દીએ એના ખોરાકની આશરે ૬૦ ટકા કેલરી કાર્બોહાઇડ્રેટમાંથી, ૩૦ ટકાથી ઓછી કેલરી ચરબીમાંથી અને ૧૦ ટકા કેલરી પ્રોટીનમાંથી મેળવવી જોઇએ. આ ખોરાકમાં ૪૦ ગ્રામ જેટલા ફાઇબર (રેસા) હોવા જોઇએ અને ૩૦૦ મિ.ગ્રા. કરતાં ઓછું કોલેસ્ટેરોલ હોવું જોઇએ. ચરબીના ૩૦ ટકા પૈકી ૬ થી ૮ ટકા પોલી-અનસેચ્યુરેટેડ, ૧૦ ટકાથી ઓછી સેચ્યુરેટેડ અને બાકીની મોનો-અનસેચ્યુરેટેડ ચરબી હોવી જોઇએ. આપણા ભારતીય ખોરાક કરતાં અમેરિકન ખોરાક ઘણો જુદો હોવાથી, ભારતીય ડાયાબિટીસના દર્દીમાં ચરબીમાંથી મળતી કેલરી, કુલ કેલરીના માત્ર ૧૫-૨૦ ટકા જેટલી જ મળે અને બાકીની બધી કેલરી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનમાંથી મળે એવું ગોઠવવું જોઇએ.
ડાયાબિટીસના દર્દીઓમાં ખોરાકની સૌથી અગત્યની પરેજી એ ખોરાકમાં ચરબીનુ પ્રમાણ ઘટાડવાની છે. ચરબીનું પ્રમાણ ખોરાકમાં જેટલું ઓછું હોય એટલો ફાયદો થાય છે. ચરબીના રોજિંદા વપરાશમાં માત્ર ૪૦ ગ્રામનો વધારો ડાયાબિટીસ થવાની શકયતા ૬૦૦ ટકા વધારી દે છે. લોહીમાં ફરતી અને પેટની આસપાસ જમા થયેલી ચરબી ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટાડી નાંખે છે. બધી ચરબીમાં, સામાન્ય રીતે સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ચરબી નુકસાનકારક ગણાય છે જે હાર્ટ તથા બી.પી.ની બીમારી નોતરે છે. સંતૃપ્ત ચરબી ઓછી કરવાની સાથોસાથ જો મોનો-અનસેચ્યુરેટેડ ચરબીનું પ્રમાણ વધારી દેવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓમાં વિશેષ ફાયદો થાય છે. ખોરાકમાં સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ચરબી ઓછી કરવા અને મોનો-અનસેચ્યુરેટેડ ચરબી વધારવા માટે સરસિયું કે તલનું તેલ વાપરવું જોઇએ. માંસાહાર અને ઘી, તળેલું, માખણ, મલાઇ વગેરે બંધ કરવાં જોઇએ. બદામ, અખરોટ વગેરેમાં મોનો-અનસેચ્યુરેટેડ ચરબી ઘણી વધારે હોય છે. એનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરી શકાય. અલબત્ત, કુલ ચરબીનું પ્રમાણ કુલ કેલરીના ૧૫-૨૦ ટકાથી ઓછી કેલરી આપે એટલું જ રાખવું જોઇએ. ટૂંકમાં, આખા દિવસ દરમ્યાન એક માણસે ૧૫ થી ૨૦ ગ્રામ (ત્રણ થી ચાર ચમચી) જેટલું જ ધી / તેલ / માખણ / મલાઇ ખાવું જોઇએ.
જે ઘટકના પાચનથી ગ્લુકોઝ અથવા એને મળતી આવતી અન્ય શર્કરા છૂટી પડે એ ઘટકને આપણાં હેતુ માટે આપણે કાર્બોહાઇડ્રેટ કહીએ. આપણા ખોરાકની લગભગ બધી ચીજો રોટલી, દાળ, ભાત, શાક, ફળ, કઠોળ વગેરે પચે ત્યારે એમાંથી ગ્લુકોઝ છૂટો પડે છે. આ બધી વસ્તુઓમાં કાર્બોહાઇડ્રેટ આવેલ હોય છે. આ કાર્બોહાઇડ્રેટ બે પ્રકારના હોય છે. સાદા કાર્બોહાઇડ્રેટ અને સંકુલ કાર્બોહાઇડ્રેટ. સાદા અથવા રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટમાં ગ્લુકોઝ, ખાંડ (સુક્ર્ર્રોઝ), મધ, ગોળ, પીપર, જામ, જેલી વગેરેનો સમાવેશ થાય છે. જયારે સંકુલ કાર્બોહાઇડ્રેટમાં સ્ટાર્ચ (અનાજ / કઠોળ વગેરેમાં રહેલ), સેલ્યુલોઝ / પેકટીન (રેસા) વગેરેનો સમાવેશ થાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ એવા પ્રકારનો કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવો કે જેનાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક વધી ન જાય. આ માટે એકલી ખાંડ અથવા ગ્લુકોઝને (સાદા કાર્બોહાઇડ્રેટ) વધુ પ્રમાણમાં ન લેવા જોઇએ. જો ખાંડ કે ગ્લુકોઝ થોડા પ્રમાણમાં (કુલ કાર્બોહાઇડ્રેટના પાંચ ટકા) અન્ય ખોરાકની સાથે લેવામાં આવે તો ખાસ તકલીફ નથી થતી. ટૂંકમાં મીઠાઇ, શરબત, ખાંડવાળી ચા વગેરે એકલા ન પીવાં, પરંતુ બહુ મન થયું હોય ત્યારે જમવા સાથે કયારેક લેવાં. આ રીતે મીઠાશ લેવાથી ડાયાબિટીસના કાબૂમાં ખાસ કોઇ ફરક પડતો નથી. રેસાયુકત ખોરાકની સાથે કાર્બોહાઇડ્રેટ લેવાથી પણ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક એકસાથે વધતું અટકે છે.
તાજેતરમાં થયેલ અભ્યાસોથી બીજી એક રસપ્રદ હકીકત એ જાણવા મળી કે બધા કાર્બોહાઇડ્રેટ ખાધા પછી જુદા જુદા પ્રમાણમાં લોહીના ગ્લુકોઝને અસર કરે છે. દરેક ખોરાક કેટલા પ્રમાણમાં લોહીમાં ગ્લુકોઝનો વધારો કરે છે એ પ્રમાણને માપવા માટે ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ નામના માપનો વપરાશ શરૂ થયો છે. જે ખોરાકની ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ વધારે હોય એ ખોરાક ડાયાબિટીસના દર્દી માટે વધુ નુકસાનકારક ગણી શકાય. મકાઇના પૌઆ, બટાટા, મધ વગેરેનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ૮૦ થી ૯૦ ટકા છે, જયારે સોયાબીન, ફ્ર્રુકટોઝ વગેરેનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ૨૦ ટકા આસપાસ છે. સાથેના કોષ્ટકમાં જુદી જુદી ચીજોના ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ આપેલ છે. આ કોષ્ટક માત્ર એક સમજણ ઊભી કરવા માટેના ઉદાહરણ તરીકે મુકયું છે જે દર્શાવે છે કે એક સરખા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખોરાકમાંથી જુદા જુદા પ્રમાણમાં લોહીનો ગ્લુકોઝ વધે છે. દર્દી અને સંજોગો પ્રમાણે આ ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ બદલાયા કરે છે અને દર્દી જાતે ઘર-બેઠા ગ્લુકોમીટરની મદદથી જો ખોરાક લીધા પછી લોહીનો ગ્લુકોઝ માપતા રહે તો પોતાના ખોરાકની ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ અંગે જાણી શકે છે.
સાથેના કોષ્ટકમાં જુદા જુદા ખાદ્યપદાર્થોનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ દર્શાવેલ છે. યાદ રાખો: (૧) જેનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ઓછો એ પદાર્થ ડાયાબિટીસના દર્દી માટે વધુ હિતાવહ. (૨) ઘણી વખત દર્દીના બંધારણ પ્રમાણે અને અન્ય ખાદ્ય પદાર્થની હાજરીના આધારે ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ બદલાયા કરે છે. (૩) આ ઇન્ડેક્ષ માત્ર સામાન્ય જાણકારી પૂરતા જ છે અને હજી સંશોધનો બાકી છે. જેથી નિશ્ચિતપણે કયો ખોરાક ખાવો અને કયો ન ખાવો એ કહી શકાય નહીં. (૪) પોતાને કયો ખોરાક વધુ માફક આવે છે એનો અભ્યાસ દર્દી જાતે ગ્લુકોમીટરની મદદથી કરી શકે છે.
જુદા જુદા ખાદ્ય પદાર્થોનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ
|
|
ભારતીય શાકાહારી ખોરાકમાં પ્રોટીન મુખ્યત્વે દૂધ, અનાજ અને કઠોળમાંથી મળે છે. સામાન્ય રીતે દરેક તંદુરસ્ત પુરુષે રોજનું ૫૫ ગ્રામ અને સ્ત્રીએ ૪૫ ગ્રામ (આશરે દર કિલોગ્રામ વજનદીઠ એક ગ્રામ પ્રમાણે) પ્રોટીન ખોરાકમાં લેવું જોઇએ. ડાયાબિટીસના દર્દી અને તંદુરસ્ત વ્યક્તિ બંનેમાં આટલું જ પ્રોટીન રોજેરોજ ખોરાકમાં હોવું જોઇએ. જો ડાયાબિટીસને કારણે દર્દીની કિડનીમાં ખરાબી થઇ ગઇ હોય તો પ્રોટીનનું પ્રમાણ આનાથી પણ ઓછું કરી દેવું જોઇએ. દર કિલોગ્રામ વજનદીઠ આશરે ૦.૮૫ ગ્રામ પ્રોટીન કિડનીના દર્દીઓએ લેવું જોઇએ.
શક્તિ આપનાર પદાર્થો-કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીન જેટલી જ આવશ્યકતા શક્તિ ન આપનારા ખોરાકના રેસાની છે. તાજેતરમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ખોરાકમાં રેસાનું પ્રમાણ પૂરતું હોય તો ડાયાબિટીસના દર્દીના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ધીમે ધીમે અને ઓછી માત્રામાં વધે છે. દ્રાવ્ય રેસા - જેવા કે પેકટીન, ગમ (ગુંદર) અને કેટલાક હેમીસેલ્યુલોઝ આ માટે ખૂબ ઉપયોગી છ, જયારે સેલ્યુલોઝ, લીગ્નીન વગેરે અદ્રાવ્ય રેસાઓ ડાયાબિટીસ ઘટાડવામાં મદદરૂપ થતાં નથી. અલબત્ત, અદ્રાવ્ય રેસા કબજિયાત અને કેન્સર જેવી બીમારી અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે. આ રેસાને ખોરાકના ભાગ તરીકે (દા.ત. આખા અનાજ, કઠોળ, ફળો, શાક વગેરે તરીકે) લેવાથી વધુ ફાયદો થાય છે. બજારમાં તૈયાર મળતા રેસાના પેકેટ દવા તરીકે વાપરવાની કોઇ જરૂર હોતી નથી.
જુદા જુદા ખોરાકમાં રહેલ રેસા (સો ગ્રામ ખોરાકમાં રહેલ રેસાનુ ગ્રામમાં વજન)
|
|
|
ડાયાબિટીસના દર્દીઓ ઘણી વખત ખોટે ખોટી પરેજી કરીને, પોતે સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખે છે એવા ભ્રમમાં રાચતા હોય છે. જે વસ્તું ખોરાકમાંથી બંધ ન કરવાની હોય એ વસ્તુ અજ્ઞાનતાથી બંધ થઇ જાય અને જે વસ્તુ બંધ કરવી ખૂબ જરૂરી હોય એ ખાવાનું બેરોકટોક ચાલુ હોય એવું ઘણાં કિસ્સામાં જોવા મળે છે.
મોટી ઉંમરે (પુખ્તવયે) જેમને ડાયાબિટીસ થાય છે એમાંથી ઘણાં બધા લોકોનું કાં તો વજન વધારે હોય છે અથવા એમના પેટની આસપાસ ચરબીના થર જામેલાં હોય છે. વધુ પડતી ચરબી ડાયાબિટીસ કરવામાં અગત્યનો ફાળો આપે છે એટલે ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે સૌથી અગત્યની પરેજી ખોરાકમાં કુલ કેલરી ઘટાડવાની છે. ભૂખ્યા રહીને નહીં, પરંતુ ઓછી ચરબી અને ઓછી કેલરીવાળા ખોરાકને જ પસંદ કરવાની કાયમી ટેવ રાખવાથી ડાયાબિટીસના દર્દી કોઇ જાતની કો(મ્પ્લકેટેડ પરેજી કર્યા સિવાય સહેલાઇથી કાબુમાં રાખી શકે છે.
જો તંદુરસ્ત વ્યક્તિ પહેલેથી જ પોતાના સ્વાસ્થ્ય અને આહાર બાબત જાગૃત રહે તો એને ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. અહીં જણાવેલ પરેજીના મુદ્દાઓ હકીકતમાં પરેજીના બદલે ખોરાકની સ્વસ્થ ટેવોના મુદ્દાઓ જ છે. એનો અમલ દરેક તંદુરસ્ત વ્યક્તિએ કરવો જોઇએ. આ સ્વસ્થ ખોરાકની ટેવોનો જ ચુસ્ત અમલ ડાયાબિટીસના દર્દીએ કરવો જરૂરી થઇ જાય છે. ડાયાબિટીસની પરેજી અંગેના મુખ્ય મુદ્દાઓની અહીં ચર્ચા કરી છે.
રોજે રોજ એક જ જાતનો ખોરાક ખાવાને બદલે વિવિધતા પુર્ણ ખોરાક ખાઓ. એક જ જાતના અનાજ-કઠોળ-શાક કે ફળને બદલે રોજે રોજ અલગ અલગ પ્રકારના અનાજ-કઠોળ-શાક કે ફળ પસંદ કરો જેથી વિવિધ સ્વાદ માણી શકાય અને એક પ્રકારના ખાદ્યપદાર્થમાં રહેલી ઉપણ બીજા ખાદ્યપદાર્થ દ્વારા સરભર થઇ જાય. કોઇ ફળમાં પોટેશિયમ વધુ મળે તો બીજામાંથી વિટામિન્સ વધુ મળે એવું બને.
દિવસ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ અને કસરત કરવા માટે જેટલી શક્તિ (કેલરી) વાપરી શકો એટલી જ શક્તિ (કેલરી) ધરાવતો ખોરાક લો. તમે વાપરી શકો એનાં કરતાં વધુ શક્તિ ધરાવતા ખોરાક રોજ ખાવાથી તમારૂ વજન ઘટશે જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરારૂપ સાબિત થાય છે. વધુ વજન ધરાવતાં ડાયાબિટીસના દર્દીઓએ તો દૈનિક પ્રવૃત્તિઓ અને કસરત દ્વારા જેટલી શક્તિ વપરાય એનાં કરતાં આશરે ૫૦૦ કિલો કેલરી શક્તિ ઓછી મળે એ રીતે ખોરાકનું આયોજન કરવું જોઇએ જેથી ધીમે ધીમે વજન ઘટે. દર મહિને અડધો કે એક કિલો વજન ઓછુ થાય અને વર્ષે પાંચ કિલો વજન ઘટે તથા ઘટેલું વજન જળવાઇ રહે તો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું સહેલું પડે છે. ખોરાક દ્વારા મળતી શક્તિ (કેલરી) ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. પરંતુ ઓછી કેલરી ધરાવતો ખોરાક પસંદ કરવાની જરૂર છે. ઘી-તેલ-માખણ-માંસાહાર વગેરે વધુ ચરબી અને વધુ કેલરી ધરાવતાં પદોર્થ છે. જ્યારે કચંબર, ભાજી, ફળો વગેરે પ્રમાણમાં ઓછી કેલરી અને નહીંવત ચરબી ધરાવતાં ખાદ્યપદાર્થ છે. ખોરાકમાં ભાજી, કચુંબર, ફળો વધારો અને તળેલું, ફરસાણ, ઘીની મીઠાઇઓ, બીસ્કીટ, માંસાહાર વગેરે ખાવાનું બંધ કરી દો.
ખોરાકના રેસા દરેક તદુરસ્ત વ્યક્તિના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં હોવી જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ તો ખોરાકમાં પૂરતાં પ્રમાણમાં રેસા છે એની પૂરી ખાત્રી કરી લેવી જોઇએ રેસા છે. રેસાઓ લોહીમાં સુગરને અચાનક વઘતું અટકાવે છે. તેમજ કોલેસ્ટોલ પણ વધતું અટકાવે છે. આખા અનાજ અને કઠોળમાં રેસા વઘુ હોય છે. નાના દાણાંવાળા અનાજ (દા.ત. જવ, કોદરી, સામો, નાગલી) વગેરેમાં વધુ રેસા હોય છે. એટલે મોટા દાણાવાળા અનાજ ઘંઉ-ચોખા વગેરે ને બદલે નાના દાણાંવાણા અનાજને પેહલી પસંદગી આપો. એ જ રીતે મિલના પોલિશ ચોખાને બદલે હાથછડાનાં ચોખા અને મેંદાને બદલે ઘંઉનો લોટ વાપરવાનું પસંદ કરો. દાળને બદલે કઠોળ અને છોલેલા ફળ ને બદલે શકય હોય તો બઘા ફળો છોલ્યા વગર ખાવાની ટેવ રાખો. કદમૂળમાં રેસા પ્રમાણમાં ઓછા હોય છે. તેને બદલે ભાજી વઘુ પંસદ કરો.
ડાયાબિટીસના દર્દીમાં થતાં મોટા ભાગના લાંબાગાળાના કોમ્પ્લિકેશન માટે કોલેસ્ટેરોલ અને ચરબી ઓછાવત્તા અંશે જવાબદાર હોય છે. દૂધ અને માંસાહારી ખોરાકમાં કોલેસ્ટેરોલ આવે છે જ્યારે વનસ્પતિજન્ય તેલોમાં સંતૃપ્ત ચરબી હોય છે જેમાંથી કોલેસ્ટેરોલ બને છે. લોહીમાં ફરતી ચરબી ડાયાબિટીસના દર્દીઓની રક્તવાહિનીઓ પર નુકશાન પહોંચાડી એ રક્તવાહિનીને સાંકડી અને કઠણ કરી મૂકે છે, જે છેવટે હ્રદયરોગ કે પગના ગેન્ગનરી માટે કારણભૂત બને છે. માંસાહાર અને ઘી-મલાઇ--માખણનો વપરાશ બંધ કરી દેવો ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, તેલનો વપરાશ માત્ર શાક-દાળના વઘાર પૂરતો જ કરવો અને તળેલી વસ્તુઓ તથા મોણવાળી વસ્તુઓ (ભાખરી-થેલપાં, પૂરી, પરાઠા વગેરે) નો વપરાશ બંધ કરવો. બધા બીસ્કીટોમાં ધમનીઓ માટે ભારે ખતરનાક હાઇડ્રોજીનેટેડ વેજીટેબલ ઘી હોય છે જેનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરી દેવો ઇચ્છનીય છે.
ખાંડ-ગોળ જેવાં ગળ્યા પદાર્થ ડાયાબિટીસના દર્દીએ સાવ બંધ કરી દેવા જોઇએ એવું નથી પરંતુ એનું પ્રમાણ દિવસમાં ચાર નાની ચમચી (વીસ ગ્રામ) થી વધે નહીં એની કાળજી ડાયાબિટીસના દર્દીઓએ તેમજ દરેક તંદુરસ્ત વ્યક્તિએ પણ રાખવી જરૂરી છે. વધુ પડતું ગળપણ વિટામિન અને રેસા વગરની માત્ર શક્તિ (કેલરી) આપે છે. જે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો ખોરાકમાં ખાંડ-ગોળ 'ઉમેરવા' હોય તો અન્ય કાર્બોહાઇડ્રેટ (સ્ટાર્ચ વગેરે) નું પ્રમાણ એટલું ઓછુ કરવું જોઇએ જેથી કુલ કેલરી વધે નહીં.
ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશરની બીમારી એકબીજાની જોડીદાર છે. એક થાય એટલે બીજી બીમારી થવાની શક્યતા ખૂબ વધી જાય. ડાયાબિટીસના દર્દીને હાઇબ્લડપ્રેશર લાગુ પડે તો કીડની અને હ્રદયને નુકશાન થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આવું ન થાય એ માટે ડાયાબિટીસના દરેક દર્દીએ મીઠુ-સોડા-પાપડ વગેરે સોડિયમ ધરાવતી વસ્તુઓનો વપરાશ ઘટાડી નાંખવો જરૂરી છે. દૈનિક ખોરાકમાં કુલ છ ગ્રામ મીઠુ પૂરતું છે એનાથી વધુ મીઠુ ભારે નુકશાન કરે છે. એક ચપટી (બે આંગળી અને અંગુઠાની બનેલી) માં આશરે બે ગ્રામ મીઠુ આવે એટલે દરેક વ્યક્તિદીઠ કુલ ત્રણ ચપટીથી વધુ મીઠુ ન વપરાય એ ઇચ્છનીય છે. સોડા ધરાવતી વાનગીઓ અને ફરસાણ (દા.ત. ગાંઠીયા, ફાફડા, પાપડી વગેરે) નો વપરાશ પણ મર્યાદિત કરવો જરૂરી છે.
તમાકુ-દારૂનું વ્યસન તંદુરસ્ત વ્યક્તિને તેમજ ડાયાબિટીસના દર્દીઓને નુકશાન કરે છે. આવા વ્યસનથી સંપૂર્ણપણે દૂર રહવું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે.
ટૂંકમાં, ડાયાબિટીસના દર્દીએ સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ચુસ્તપણે ખાવાનું રાખવું જોઇએ. ડાયાબિટીસના દર્દી માટે અને અન્ય તંદુરસ્ત વ્યક્તિ માટેનો સ્વસ્થ ખોરાક લગભગ એક સરખો જ હોય છે, ફરક માત્ર એટલો જ હોય છેકે ડાયાબિટીસના દર્દીએ વધુ ચુસ્તપણે સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો અમલ કરવાનો હોય છે અને વજન વધારે હોય તો વજન ઘટાડવા માટે ચરબી અને કેલરીના કુલ વપરાશમાં ઘટાડો કરવાનો હોય છે.
જેમને પુખ્તવયે ડાયાબિટીસની બીમારી લાગુ પડી હોય એમાંથી અડધાથી વધુ લોકોનું વજન જરૂર કરતાં ઘણું વધારે હોય છે. મેદસ્વીતાને પરિણામે ઇન્સ્યુલિનની ધારી અસર થતી નથી (અસર ઓછી થઇ જાય છે) અને એને લીધે લોહીના ગ્લુકોઝનું નિયંત્રણ રહેતું નથી. માત્ર વજન ઘટાડવાથી ઇન્સ્યુલિનની અસરકારકતા વધી શકે છે અને ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે. વધુ વજન ધરાવતા ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે રોજના ખોરાકમાંથી મળતી કેલરીમા પાંચમા ભાગનો ઘટાડો કરવાનું કહેવામાં આવે છે. વધુ ચોકસાઇથી કહેવું હોય તો એમ કહી શકાય કે રોજિંદી જરૂરિયાત હોય એના કરતાં આશરે ૫૦૦ કેલરી ઓછી ખાવી જોઇએ. આમ કરવાથી દર મહિને આશરે એકથી દોઢ કિલો જેટલું વજન ઘટે છે. ખોરાકમાંથી કેલરી ઘટાડવાનો સૌથી સારો રસ્તો ખોરાકમાંથી ચરબી સાવ ઘટાડી નાંખવાનો છે. એક ગ્રામ ચરબીમાંથી નવ કેલરી મળે છે. એટલે ખોરાકમાં વધારાની ૫૦ ગ્રામ ચરબી ઓછી થઇ જાય તો ૪૫૦ કેલરી એમ જ ઓછી થઇ શકે છે. ટૂંકમાં, વજન ઘટાડવા માટે ઓછું ખાવાની કે ભૂખ્યા રહેવાની જરૂર નથી, પેટ ભરીને ખાવ - માત્ર ચરબી (ઘી-તેલ) ઓછા કરો અને લીલા કાચા શાકભાજી (સલાડ) ખાવાનું વધારી દો.
ડાયાબિટીસના દર્દીએ ખોરાકની પરેજીની સાથોસાથ ખોરાકની નિયમિતતા જાળવવી પણ જરૂરી છે. આખા દિવસમાં માત્ર એક કે બે વખત જ ખાવાની ભૂલ કરવી નહીં. ઓછામાં ઓછું દિવસમાં ચાર-પાંચ વખત ખાવું. એકસાથે વધારે ખાવાને બદલે વારંવાર થોડું થોડું ખાવાથી ડાયાબિટીસ પરનું નિયંત્રણ વધુ સારુ થાય છે. ખોરાકના સમયને ઇન્સ્યુલિનના ઇન્જેકશન કે દવાના સમય સાથે મેળવવો જરૂરી છે. દવા કે ઇન્જેકશન લીધા પછી અડધો કલાકમાં ખાવું ખૂબ જરૂરી છે કારણ કે નહીંતર દવા-ઇન્જેકશનની અસરથી લોહીમાં ગ્લુકોઝ ઘટવા લાગશે અને ખોરાકમાંથી ગ્લુકોઝ પહોંચશે નહીં. આવું થાય ત્યારે ઘણીવાર દર્દીને ચકકર આવે, શરીરે પરસેવો થઇ જાય, હ્રદય ઝડપથી ધબકવા લાગે અને કયારેક દર્દી બેહોશ પણ થઇ જાય. આમ, ખોરાક અને દવાના સમયમાં તાલમેલ રાખવો જરૂરી છે.
ડાયાબિટીસની પરેજી બાબત આ એક ખોટી માન્યતા ખૂબ વ્યાપક છે. હકીતકમાં ભાત કે ઘંઉમાંથી લગભગ એક સરખા પ્રમાણમાં શર્કરા મળે છે. એટલે રોટલી ખાવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે અને ભાત ખાવાથી ન રહે એ માન્યતા બીલકુલ ખોટી છે. ઉલ્ટુ, ઘી ચોપડેલી રોટલી ખાવા કરતાં ઘી નાંખ્યા વગરના રોટલીના લોટ જેટલાં જ (કાચા)- વજનના ભાત ખાવા વધુ ઇચ્છનીય છે. જો મિલના પોલિશ્ડ ચોખાને બદલે હાથછડના ચોખામાં, મિલના ચોખા કરતાં અનેક ગણા વધારે રેસા હોય છે જે દર્દી માટે ફાયદાકારક બને છે. અન્ય રેસાયુક્ત ખોરાક (જેમકે આખા ધાન્ય, કઠોળ, ફળો અને ભાજી) પૂરતાં પ્રમાણમાં લેવાની કાળજી ડાયાબિટીસના દર્દી માટે અગત્યની છે. કોદરી, નાગલી, કાંગ, રાગી, જંવ જેવાં ધાન્ય ઘંઉ-ચોખા કરતાં વધુ રેસા ધરાવે છે અને એનો ઉપયોગ વધારવો જોઇએ. મેથી અને ઇસબગુલના રેસા પણ ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે મહત્વના છે.
ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધુ અણગમતી પરેજી ગળપણ બંધ કરવાની હોય છે. કોઇ પણ વ્યક્તિને ડાયાબિટીસ થાય એટલે સગા-સંબંધિ-મિત્રો-વડીલો-ડોક્ટરો બધા એક સલાહ તો આપે છે કે 'તમારા ખાવામાંથી ખાંડ-ગોળ-મીઠાઇ વગેરે સંપૂર્ણપણે બંધ કરી દો! ચા ખાંડ વગરની પીવાની અને ગળી વસ્તુ નહીં ખાવાની'. આનાથી આગળ વધીને ઘણાં બધા લોકો એવી માન્યતા ધરાવે છે કે ડાયાબિટીસ થવાનું કારણ જ ગળી વસ્તુ હોય છે! ઘણાં દર્દીઓ એવું પૂછતાં આવે છે કે 'સાહેબ હુ તો કદી ગળપણ ખાતો નથી તો મને ડાયાબિટીસ કેવી રીતે થયો?' ટૂંકમાં અત્યાર સુધી સામાન્ય લોકો એવું માનતા આવ્યા છે કે ગળપણ ખાવાથી ડાયાબિટીસ થાય તથા ડાયાબિટીસ થયો હોય તો ગળપણ ખાવાનું બંધ કરવું જોઇએ. મોટા ભાગના ડોક્ટરો પણ એવી જ સલાહ આપતાં હોય છે કે ડાયાબિટીસના દર્દી એ ખાંડ-ગોળ-મીઠાઇ ખાવી નહીં.
પરંતુ, તમને જાણીને આષ્ચર્ય થશે કે છેલ્લાં થોડા વર્ષોમાં થયેલાં અનેક અભ્યાસોથી એવું જણાયું છે કે ખોરાકમાં થોડા પ્રમાણમાં (રોજના દશ-પંદર ગ્રામ) ખાંડ-ગોળ લેવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં કોઇ નુકશાન થતું નથી! એક ચમચી ખાંડ અને એક ચમચી સ્ટાર્ચ (અનાજમાંથી મળતી શર્કરા) લગભગ એક સરખાં પ્રમાણમાં લોહીની સુગર વધારે છે. એટલે જો ખોરાકમાં ખાંડ-ગોળ લેવા હોય તો એટલાં પ્રમાણમાં અન્ય શર્કરા (સ્ટાર્ચ વગેરે) ઓછી લેવી જોઇએ. મોટા ભાગના લોકો ભૂલ એ કરે છે કે પોતાના રોજિંદા ખોરાકમાં વધારાના ખાંડ-ગોળ ઉમેરે છે. એ રીતે વધારાની કેલરી અને શર્કરા લોહીમાં જાય છે જો ખાંડ-ગોળ ઉમેર્યા હોય તો એટલી જ કેલરી અપાતી અન્ય શર્કરા (કાર્બોહાઇડ્રેટ) ઓછા કરવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં આંચ આવતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો આખો કપ ખાંડ વગરની ચા પીનાર વ્યક્તિએ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખીને ખાંડવાળી ચા પીવી હોય તો કુલ આખાને બદલે અડધો કપ ચા પીવી જોઇએ. એ જ રીતે ખોરાકમાં પાંચ-દશ ગ્રામ ગોળ લીધો હોય તો અડધી રોટલી ઓછી ખાવી જોઇએ. એ જ રીતે ઓછા માવા-મલાઇ-ઘીની મીઠાઇનો નાનો ટુકડો લીધો હોય તો એકાદ રોટલી ઓછી કરી નાંખવી જોઇએ. બીજુ બધુ રોજ કરતાં વધુ પ્રમાણમાં અથવા રોજ જેટલું જ ખાઇને પછી ઉપરથી મીઠાઇ ખાવા જાઓ તો કદી સુગર નિયંત્રણમાં રહેશે નહીં.
ટૂંકમાં, તાજેતરના કાળજીપૂર્વક થયેલાં અનેક અભ્યાસો એવું જણાવે છે કે ડાયાબિટીસના દર્દીએ ખાંડ-ગોળને સંપૂર્ણપણે બંધ કરી દેવા જરૂરી નથી. થોડા પ્રમાણમાં, અન્ય ખોરાકને બદલે ખાંડ-ગોળ લેવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં કોઇ ફેરફાર થતો નથી. અલબત્ત, અન્ય તંદુરસ્ત માણસોની જેમ ડાયાબિટીસના દર્દીઓએ પણ વધુ પડતાં ખાડ-ગોળ લેવાનું ટાળવું જોઇએ. દિવસમાં પંદર-વીસ ગ્રામથી વધુ ખાંડ-ગોળ લેવાનું કોઇ પણ વ્યક્તિ માટે હિતાવહ નથી. એવુ બની શકે કે અમુક વ્યક્તિ ખાંડ ખાય તો ખાસ કોઇ અસર લોહીની સુગર પર ન જણાય અને અન્ય વ્યક્તિ ખાંડ ખાય તો એનાથી એ વ્યક્તિની લોહીની સુગર વધી જાય. પરંતુ આવું માત્ર ખાંડ જ નહીં બીજા બધા ખોરાકથી થઇ શકે.
ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે માત્ર ગળપણ કે ભાત-બટાકા બંધ કરીને પોતે સંપૂર્ણ પરેજી રાખે છે એમ માનીને હરખાઇ જવાની જરૂર નથી. ડાયાબિટીસની પરેજીમાં સૌથી અગત્યની પરેજી ખોરાકમાંથી માંસાહાર - ઘી - માખણ - મલાઇ બંધ કરીને ખોરાકમાંથી સંતૃપ્ત અને હાઇડ્રોજીનેટેડ ચરબી ઘટાડી નાંખવાની છે. આની સાથોસાથ ખોરાકમાં પૂરતાં પ્રમાણમાં રેસા, વિટામિન અને એન્ટી ઓ(ક્સડન્ટ ધરાવતાં કુદરતી ખોરાક (ફળો, ભાજી, કઠોળ અને આખા ધાન્ય) લેવા ખૂબ જરૂરી છે.
ફળોમાં રેસા, વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ તત્વો ભરપૂર હોય છે એમાં ચરબીનું પ્રમાણ નહીંવત હોય છે અને એમાં રહેલી શર્કરા ફ્રુક્ટોઝ સ્વરૂપે હોય છે જે અન્ય શર્કરાની સરખામણીએ લોહીની શુગર વધારવામાં ઓછો ફાળો આપે છે. અલબત્ત, દરેક વ્યક્તિદીઠ, ફળદીઠ અને ખોરાકના સમય તથા અન્ય ખોરાકની હાજરી પ્રમાણે ફળની અસર લોહીની શુગર પર કેવી પડશે તે નક્કી થાય છે. સામાન્ય રીતે ફળોનો રસ (જ્યુસ) લેવાને બદલે આખા ફળ લેવા ઇચ્છનીય છે. જ્યાં શક્ય હોય ત્યાં, છાલ સાથે ફળો ખાવાનું પસંદ કરવું જોઇએ. અન્ય ખોરાની સાથે નાસ્તામાં કે જમવામાં ફળ લઇ શકાય. કચુંબરમાં પણ ફળો ભેળવીને ખાવાથી સ્વાદિષ્ટ કચુંબર બને છે. સૂકા ફળોને અનાજ સાથે થોડા પ્રમાણમાં રાંધીને ખાઇ શકાય. જ્યારે ઘરથી દૂર રહો અને ભૂખ લાગે ત્યારે બહારનો તળેલો નાસ્તો ખાવાના બદલે ફળો ખાવા વધુ યોગ્ય છે. શરબત-આઇસ્ક્રીમ વગેરે ખાવાને બદલે ફળોની સ્વાદિષ્ટ વાનગી ખાઇ શકાય. અલબત્ત, દરેક વ્યક્તિની લોહીની સુગર જુદા જુદા ફળ ખાવાથી જુદા જુદા પ્રમાણમાં વધે છે. ઘણાં લોકોમાં કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ વગેરે ફળો ખાવાથી સુગર જલદી વધી શકે. કયાં ફળ તમારી લોહીની સુગર વધારી નથી દેતા એ જાતે જ જે તે ફળ ખાધા પછી જ લોહીની તપાસ કરાવી જોઇ લેવું જોઇએ અને ત્યાર બાદ ફળની પસંદગી કરવી.
તાજેતરમાં થયેલ અનેક અભ્યાસોથી એવું જણાયું છે કે નિયમિત ખોરાક સાથે મેથીના દાણાં ખાવામાં આવેતો ડાયાબિટીસ સહેલાઇથી કાબૂમાં આવી જાય છે. જે લોકો બંને વખત જમવાની ૧૫ મિનિટ પહેલાં બે ચમચી (આશરે સાડા-બાર ગ્રામ) મેથીનાં દાણા ખાય અથવા ભૂકો કરીને પાણી કે છાશ સાથે પી જાય એમને ઘણો ફાયદો થાય છે. આગલી રાતથી પલાળી રાખેલ મેથી દાણા કે પછી મેથીનો ભૂકો રોટલી, ઢોસા, ઇડલી, ઉપમા, પૂલાવ, ઢોકળા, દાળ અને કઢીમાં પણ ભેળવીને ખાઇ શકાય. મેથીની કડછાસ આ બધી વાનગીમાં ઢંકાઇ જાય છે. ડાયાબિટીસમાં શુગર કાબૂમાં લેવા માટે મેથીના દાણા ખાવાથી થતો ફાયદો મેથીની ભાજી ખાવાથી થતો નથી. આખા દિવસમાં ૨૫ થી ૫૦ ગ્રામ મેથી ખાવાથી મહત્તમ ફાયદો થાય છે. કયારેક મેથી ખાવાનું શરૂ કરનાર ને શરૂઆતમાં ગેસ, અપચો કે ઝાડા થઇ જાય એવું બને છે. આવું થાય તો ડોઝ ઘટાડી નાંખવો અને થોડા દિવસ પછી એ વધારવાનો પ્રયત્ન કરવો.
ડાયાબિટીસના દર્દીમાં વિટામિન કે ઝીંકની જરૂરિયાત અન્ય કોઇ પણ તંદુરસ્ત વ્યક્તિ જેટલી જ હોય છે અને એટલે જયાં સુધી સંતુલિત ખોરાક (રોટલી, દાળ, ભાત, શાક, દૂધ વગેરે) યોગ્ય પ્રમાણમાં લેવાતો હોય ત્યાં સુધી દર્દીએ કોઇ પણ પ્રકારના વિટામિન, ક્રોમિયમ કે ઝીંકની ગોળીની જરૂર હોતી નથી. જેમનો ખોરાક ખૂબ જ મર્યાદિત ખાદ્યપદાર્થવાળો કે ખૂબ ઓછો હોય એમને કયારેક આવી ગોળી-કેપ્સ્યુલ લેવાની જરૂર પડે.
ખોરાક અંગેનાં આ બધાં સૂચનોને ધ્યાનમાં રાખીને દર્દીએ પોતાને માટે એક ખોરાકનું આયોજન કરવુ પડે છે અને કાયમ માટે ચુસ્તપણે એને વળગી રહેવું પડે છે. ખોરાકનું આયોજન કરવા માટે કયા ખોરાકમાં કેટલી કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી તથા ફાઇબર (રેસા) છે તે ધ્યાનમાં લેવું પડે છે આ અંગેનાં તૈયાર કોષ્ટક જીવનશૈલી સંપૂટની 'સ્વસ્થ આહાર' નામની પુસ્તિકામાં આપેલ છે.
નીચે મુજબના ખાદ્યપદાર્થ છુટથી ખાવા:- બધાં અનાજ (શકય હોય તો આખાં/હાથે છડેલાં / થુલા સાથે); આખા કઠોળ (ફણગાવેલ હોય તો વધુ સારુ); લીલા પાનવાળાં શાક અને ભાજી (કાચા / બાફેલાં / ઓછા તેલમાં વઘારેલાં).
નીચે મુજબના ખાદ્યપદાર્થ રોજ થોડાં પ્રમાણમાં ખાવા:- જામફળ, આંબળા, પપૈયા, સફરજન, તરબુચ, ટેટી જેવાં ફળો; બે વખત મલાઇ કાઢેલાં દૂધ, દહીં, છાશ અને દૂધની અન્ય બનાવટો.
નીચે મુજબના ખાદ્યપદાર્થ શકય એટલાં ઓછા ખાવા:- સુકોમેવો (અખરોટ, બદામ, કાજુ વગેરે); બટાટા, શકકરિયા જેવા કંદ; કેળાં, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવાં ફળો; ખાંડ - ગોળથી ભરપૂર વસ્તુઓ; સરસિયુ, સોયાબીન, મકાઇ અથવા તલનું તેલ (દિવસમાં કુલ ૩ થી ૪ ચમચી).
નીચે મુજબના ખાદ્યપદાર્થ ન ખાવા:- માંસાહાર; તળેલી અને મોણવાળી વસ્તુઓ; ઘી, માખણ, મલાઇ, ચીઝવાળી વસ્તુઓ; માવાની મિઠાઇઓ; આઇસક્રીમ, ઠંડાં પીણાઓ; મેંદાની બનેલ વસ્તુઓ (બિ(સ્કટ, પાઉં); દારૂ અને અન્ય વ્યસનો.
ખાંડની અવેજીમાં વાપરવા માટે અનેક સેકરીન જેવા પદાર્થોનું ચલણ આજકાલ ઘણું વધ્યું છે. જેમાંથી કેલેરી ન મળે તેવા કૃત્રિમ ગળ્યા પદાર્થો (દા.ત. સેકરીન, એસ્પારટેમ, એસીસલ્ફેમ પોટેશ્યમ વગેરે) ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ ગણાય. આવા કેટલાક જાણીતા ગળ્યાં પદાર્થોના ફાયદા - ગેરફાયદા નીચે વર્ણવ્યા છે.
ખાંડ કરતા ૩૦૦ થી ૪૦૦ ગણું ગળ્યું સેકેરીન વર્ષોથી ડાયાબિટીસના દર્દીઓ વાપરતા આવ્યા છે. આ પદાર્થ માત્ર ગળ્યો સ્વાદ આપે છે. આ સિવાય એમાંથી કોઇ કેલેરી (શક્તિ) મળતી નથી અને એ માણસના શરીરમાંથી કચરા તરીકે બહાર ફેંકાઇ જાય છે. પ્રાણીઓ ઉપર થયેલ અભ્યાસમાં સેકેરીનને કારણે પેશાબની કોથળી પર કેન્સર થાય છે એવું તારણ નીકળ્યું હતું. આ અભ્યાસને આધારે માણસને પણ આવું કેન્સર થવાની શકયતા નકારી ન શકાય. એટલે આ પદાર્થનો ઉપયોગ શકય એટલો ઓછો કરવો જોઇએ.
ખાંડ કરતાં ૨૦૦ ગણો ગળ્યો પદાર્થ એસ્પાર્ટેમ, સેકેરીનને બદલે વપરાય છે અને સેકેરીન કરતાં વધુ સલામત ગણાય છે. અલબત્ત, લાંબો સમય ગરમ કરવાથી એમાંથી કેટલાક ઝેરી પદાર્થો છૂટા પડે એવી શકયતાઓ રહેલી છે. વળી કેટલીક માનસિક અસરો અને બ્રેઇન ટયુમર થવાની શકયતાઓ કેટલાક વૈજ્ઞાનિકોએ રજૂ કરી છે પરંતુ એનો ચોકકસ ફેંસલો હજી નથી આવ્યો.
આ પદાર્થ પણ ખાંડ કરતાં ૨૦૦ ગણો મીઠો છે. કયારેક મોટા પ્રમાણમાં આ પદાર્થ જીભ પર મૂકવામાં આવે તો છેલ્લે સહેજ કડવો સ્વાદ લાગે છે. આ પદાર્થ ગરમ કરવાથી પણ કોઇ ઝેરી અસર કરતા નથી અને અત્યાર સુધીના બધા આવા પદાર્થોમાં એ સૌથી વધુ સલામત છે.
આમ, ખાંડને બદલે વાપરવાની મીઠી વસ્તુઓના ફાયદા અને ગેરફાયદા બંને છે. ઘણા દર્દીઓમાં અન્ય ખોરાક સાથે, થોડીક ખાંડ ખાવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં કોઇ ફરક નથી પડતો. આવા દર્દીઓએ સેકેરીન ખાવાની કોઇ જરૂર નથી. પરંતુ જેમનો ડાયાબિટીસ કાબૂમાં રહેતો જ નથી; ખાંડ ખાવાથી શુગર વધી જાય છે; અને ગળપણ ખાધા વગર ચાલતું નથી એવા દર્દીઓ માટે સેકેરીન કે અન્ય મીઠાં રસાયણો ઉપયોગી છે. દિવસની દશ-બાર ગોળી સુધી આડઅસર થવાની સંભાવના ઓછી રહે છે.
ડાયાબિટીસને થતો જ અટકાવવા માટે અને એકવાર થઇ ગયા પછી કાબૂમાં રાખવા માટે કસરત ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પુખ્તવયે શરૂ થયેલ (ટાઇપ-૨) ડાયાબિટીસના દર્દીઓમાં કસરતને કારણે નોંધપાત્ર ફાયદો થતો જણાયો છે.
યોગ્ય માત્રામાં કસરત કરવાથી પેટની આસપાસની ચરબી ઘટે છે. પેટની આસપાસની ચરબી ઘટવાથી ઇન્સ્યુલિનની અસરકારકતા વધે છે. આ ઉપરાંત, કસરત કરવાને લીધે શરીરમાં સ્નાયુઓનો જથ્થો વધે છે, કસરતને લીધે સ્નાયુની અંદરના ૨b પ્રકારના તાંતણાનું ૨a પ્રકારના તાંતણામાં રૂપાતંર થાય છે, જેની ઊપર ઇન્સ્યુલિનની વધુ સારી અસર થઇ શકે છે. કસરતને કારણે સ્નાયુઓ પર ઇન્સ્યુલિનને પારખવા માટે જરૂરી રીસેપ્ટર્સમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત સ્નાયુઓને મળતા રકતપ્રવાહમાં અને સ્નાયુઓમાં રહેલ રકતવાહિનીના કુલ જથ્થામાં કસરતથી લાંબે ગાળે વધારો થાય છે, જેને લીધે લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ વધુ સારી રીતે થઇ શકે છે.
આ બધા સીધા ફાયદાઓ ઉપરાંત, કસરતને કારણે ડાયાબિટીસના દર્દીઓને અન્ય અનેક લાભ થાય છે. કસરત કરવાથી વજન ઘટે છે અને વજન ઘટવાથી આપોઆપ જ ડાયાબિટીસ કાબૂમાં રહે છે તથા વધુ વજનને લીધે થતાં અન્ય નુકસાનો પણ ઘટે છે. આ જ રીતે કસરતને કારણે હ્રદય અને ફેફસાંની કાર્યક્ષમતા પણ સુધરે છે. હ્રદય-ફેફસાંની કાર્યક્ષમતા વધે એ ડાયાબિટીસના દર્દીમાં ખૂબ જરૂરી હોય છે. ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ ડાયાબિટીસને કારણે હ્રદય પર થતા નુકસાનને લીધે મૃત્યુ પામતા હોય છે. જો નિયમિત કસરત કરીને હ્રદયને સાબૂત રાખવામાં આવે તો એને નુકસાન થવાની શકયતા ઘટી જાય છે.
આમ, ડાયાબિટીસથી બચવું હોય તો આજથી જ કસરત શરૂ કરી દો. રોજની ૩૦ થી ૪૫ મિનિટ સુધી ચાલવાની, તરવાની, સાઇકલ ચલાવવાની કે અન્ય કોઇ એરોબિકસ કસરત કરવી દરેક માણસ માટે ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ થઇ ગયા પછી પણ એને કાબૂમાં રાખવા માટે નિયમિત કસરત આશીર્વાદરૂપ સાબિત થાય છે. વેઇટલિફટીંગ જેવી ભારે કસરતને બદલે આવી એરોબીક કસરત વધુ ફાયદો કરે છે.
જયારે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લીધા વગર ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળીઓ શોધાઇ ત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો!! આ વધારો નોંધાવાનુ કારણ એટલું જ હતું કે ઘણા બધા લોકો ડાયાબિટીસ આવશે તો ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાં પડશે એવી બીકે ચેકઅપ જ નહોતા કરાવતા, એ બધા લોકોએ ચેકઅપ કરાવી લીધુ અને જેમનામાં ડાયાબિટીસનું નિદાન પાકું થયું એમણે ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળી અપનાવી લીધી! અહીં દવાઓની ચર્ચા સામાન્ય જાણકારી માટે જ કરી છે. ડોકટરને પૂછયા વગર કોઇ દવા જાતે લેવી નહીં.
ડાયાબિટીસના દર્દીમાં બ્લડશુગર ઘટાડવાનું કામ કરતી આ દવાઓનાં મુખ્ય બે જૂથ છે (૧) સલ્ફોનાઇલયુરિયા અને (૨) બાઇગ્વાનાઇડસ. આજકાલ સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાઓનો વપરાશ વધુ થાય છે. સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાઓ ઘણાં વર્ષોથી શોધાયેલ છે. અને નવી નવી દવાની શોધ થયા જ કરે છે. એટલે આ દવાઓને બીજા બે પેટા જૂથમાં વહેંચવામાં આવે છે - પહેલી પેઢી (First Generation) અને બીજી પેઢી (Second Generation). પહેલી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓમાં ટોલબ્યુટામાઇડ, કલોરપ્રોપેમાઇડ, ટોલાઝેમાઇડ અને એસિટોહેક્ષેમાઇડનો સમાવેશ થાય છે. બીજી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓમાં ગ્લીપીઝાઇડ (ગ્લુકોટ્રોલ, ગ્લાઇનેઝ), ગ્લીબેન્કલેમાઇડ (ડેઓનીલ, યુગ્લુકોન, ગ્લાઇબોરલ), ગ્લાઇકલેઝાઇડ (ગ્લાઇસીગોન, ડાયામાઇક્રોન) વગેરે આવે છે. પહેલી પેઢીની દવાઓ કરતાં બીજી પેઢીની દવાઓ દશથી બસ્સો ગણી વધારે અસરકારક છે! વળી, બીજી પેઢીની દવાઓની આડઅસર પણ પ્રમાણમાં ઓછી છે. આ ફાયદાઓને લીધે ગ્લીબેન્કલેમાઇડ અને ગ્લીપીઝાઇડ જેવી બીજી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. ગ્લાઇકલેઝાઇડ અને ગ્લીબેન્કલેમાઇડ બંને દવા દિવસમાં માત્ર એક વખત લેવામાં આવે તો પણ આખો દિવસ એની અસર રહે છે. જો કે વધુ ડોઝમાં (બે ગોળીથી વધુ) લેવાની જરૂર પડે ત્યારે દિવસમાં એકને બદલે બે વખત દવા લેવી વધુ હિતાવહ હોય છે.
ડાયાબિટીસના ઘણા દર્દીઓ એવું જ સમજતા હોય છે કે ઈન્સ્યુલીનના ઇન્જેકશનને બદલે ઇન્સ્યુલિનની ગોળી આપી છે! હકીકતમાં, હજી સુધી ગોળી કે કેપ્સ્યૂલના સ્વરૂપે ઇન્સ્યુલિન મળતું નથી કારણ કે જો એ રીતે ઇન્સ્યુલિન લેવામાં આવે તો એ પેટમાં જ પચી જાય છે અને લોહીમાં એની કોઇ અસર દેખાતી નથી.
લોહીમાં ગ્લુકોઝ ઘટાડવા માટે અપાતી સલ્ફોનાઇલયુરિયા દવામાં ઇન્સ્યુલિન નથી હોતું, પરંતુ આ દવા દર્દીના સ્વાદુપિંડ પર એવી અસર કરે છે કે જેથી દર્દીના સ્વાદુપિંડમાંથી વધારે ઇન્સ્યુલિન લોહીમાં જાય અને વધતા ગ્લુકોઝને નિયંત્રણમાં લે. આમ, આ દવાનું કામ હવાલદાર જેવું છે. જાતે કશું કોઇને આપવું નહીં પણ બે દંડા મારી બીજા (સ્વાદુપિંડ) પાસેથી માલ (ઇન્સ્યુલિન) કઢાવીને જેને આપવાનો હોય (શરીરના કોષો) તેને અપાવી દેવો.
જો કોઇ દર્દીના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનાવનાર બધા કોષો નાશ પામ્યા હોય તો, સ્વભાવિકપણે, આ હવાલદાર (સલ્ફોનાઇલયુરિયા દવાઓ) ગમે એટલા દંડા મારે ઇન્સ્યુલિન નીકળવાનું નથી. આ જ કારણસર બાળપણના ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીસની ગોળીઓ કામ નથી આવતી અને ઇન્સ્યુલિનના ઇન્જેકશન આપવા સિવાય કોઇ રસ્તો નથી રહેતો. અમુક પુખ્તવયના ઇન્સ્યુલિન બિનઆધારિત દર્દીઓમાં પણ લાંબે ગાળે ગોળીઓ ધીમે ધીમે અસર ગુમાવી દે છે અને દર્દીએ છેવટે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશનનો સહારો લેવો પડે છે.
સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન લોહીમાં મોકલવા ઉપરાંત, આ દવાઓ શરીરના અન્ય કોષો પર પણ વત્તે ઓછે અંશે અસર કરે છે. કેટલાક કોષો પર ઇન્સ્યુલિનનું સ્વાગત કરનાર રીસેપ્ટરની સંખ્યા વધારી આપે છે, તો કેટલાક પર ઇન્સ્યુલિનની અસરકારકતા!! આ અન્ય કોષો પરની અસરને કારણે જે લોકોમાં ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટી ગઇ હોય તે લોકોમાં એ અસરકારકતા વધવા લાગે છે, અને એટલે ગ્લુકોઝનું નિયંત્રણ વધુ સારું બને છે. જો કે દવાની આ અસર ગૌણ છે અને મુખ્ય અસર તો સ્વાદુપિંડ પરની છે એવું મોટાં ભાગના વૈજ્ઞાનિકો માને છે. આ દવા ડાયાબિટીસ મટાડતી નથી - માત્ર ડાયાબિટીસના દર્દીમાં વધી ગયેલ ગ્લુકોઝને તત્પુરતી ઘટાડે છે. એટલે જ દવા કાયમી લેવી પડે છે.
સદભાગ્યે, સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાઓની આડઅસર બહુ ઓછી અને મામૂલી છે. પહેલી પેઢીની દવાઓ કરતાં બીજી પેઢીની દવાઓની આડઅસર ખૂબ ઓછી થાય છે. સૌથી ખતરનાક અને ઘણી વખત જોવા મળતી આડઅસર લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ પડતું ઘટી જવું (હાઇપોગ્લાઇસેમીયા-લો શુગર) એ છે. આને જો કે આડઅસર કહેવાને બદલે દવાની વધુ પડતી અસર કહી શકાય કારણ કે દવાનું કામ જ લોહીમાં ગ્લુકોઝ ઘટાડવાનું છે. આ ગ્લુકોઝનું પ્રમાણ જયારે ખૂબ ઘટી જાય ત્યારે દર્દીમાં ચકકર આવવા, આંખે અંધારાં આવવાં, આખા શરીરે પરસેવો થઇ જવો, યાદશક્તિ ઘટી જવી, મગજમાં ગુંચવાડા થવા, લવારા કરવા અને છેવટે બેભાન થઇ જવા સુધીનાં લક્ષણો જોવા મળે છે. ગ્લીબેન્કલેમાઇડ અને કલોરપ્રોપેમાઇડ જેવી દવાથી લોહીમાં ગ્લુકોઝ ભયજનક સપાટી સુધી ઘટી જવાની શકયતા અન્ય દવાઓ (ગ્લીપીઝાઇડ, ટોલબ્યુટેમાઇડ) કરતાં વધુ હોય છે. અન્ય આડઅસરોમાં ઉલ્ટી અને ગભરામણ, કમળો, પાડુંરોગ (રક્તકણ ન બનવાથી અને બનેલા રક્તકણ ઝડપભેર તુટવાથી), ચામડી અને અન્ય જગ્યાઓએ રિએકશન, શ્વેતકણોનું ઉત્પાદન અટકી જવું વગેરેનો સમાવેશ થાય છે. જો કલોરપ્રોપેમાઇડ દવા લીધા પછી દારૂ પીવામાં આવે તો દારૂનું ભારે રીએકશન આવી શકે છે. આ પહેલી પેઢીની દવાઓની સાથે એસ્પીરીન, ફીનાઇલબ્યુટાઝોન કે સલ્ફા જેવી દવા લેવામાં આવે તો લોહીમાં ઝડપથી અને વધુ પ્રમાણમાં ગ્લુકોઝ ઘટી જાય છે.
ખોરાકી પરિવર્તનો અને કસરત એ ડાયાબિટીસને કાબૂમાં લેવાના શ્ર્રેષ્ઠ બિનઔષધીય રસ્તાઓ છે અને આ રીતે જેમનો ડાયાબિટીસ નિયંત્રણ માં આવી ગયો હોય તેમને બીજી કોઇ દવા લેવાની જરૂર નથી હોતી. જે દર્દીમાં ખોરાકી પરિવર્તન અને કસરત કરવા છતાં ડાયબીટીસ કાબૂમાં ન આવે એવા પુખ્તવયના ડાયાબિટીસના દર્દીઓમાં સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાઓ ઉપયોગી થાય છે. પણ દવાથી કંઇ ડાયાબિટીસ કાયમ માટે મટી નથી જવાનો. એટલે દવાની સાથોસાથ ખોરાકી પરિવર્તનો અને કસરત ચાલુ જ રાખવા પડે છે.
આપણે આગળ જોઇ ગયા કે દવાની અસર થવા માટે શરીરમાં ઇન્સ્યુલિનનો સ્રાવ કરતા સ્વાદુપિંડના કોષો પૂરતા પ્રમાણમાં હોવા જોઇએ. જો સ્વાદુપિંડના ઇન્સ્યુલિન બનાવતા બધા કોષો નાશ પામ્યા હોય તો આ દવાની કોઇ અસર થતી નથી અને એટલે જ આ દવા બાળપણના (ઇન્સ્યુલિન આધારિત) ડાયાબિટીસમાં અને દશેક વર્ષથી વધુ જૂના પુખ્તવયના (ઇન્સ્યુલિન બિનઆધારિત) ડાયાબિટીસમાં ઉપયોગી થઇ શકતી નથી. આ દવા સગર્ભાવસ્થામાં કદી વાપરવી જોઇએ નહીં.
આ દવાનો મુખ્ય ફાયદો એટલો જ છે કે એ લેવાથી ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાનું મોકૂફ કે બંધ રાખી શકાય છે. વળી, બહારના ઇન્સ્યુલિનથી એલર્જી થવાની શકયતાઓ હોય છે જે દવાને કારણે શરીરનું પોતાનું ઇન્સ્યુલિન વધવાથી રહેતી નથી.
બાઇગ્વાનાઇડ્સ જૂથની દવાઓનો વપરાશ પણ આપણે ત્યાં વર્ષોથી થાય છે. આ જૂથની દવામાં મેટફોર્મીન (ગ્લારસીફેઝ, ડાયાફેઝ, ગ્લાયકોમેટ વગેરે), ફેનફોર્મીન (ડી.બી.આઇ.) અને બ્યુટફોર્મીનનો સમાવેશ થાય છે. આ દવાઓ જેટલું ઇન્સ્યુલિન લોહીમાં હોય એને વધુ અસરકારક બનાવે છે. શરીરના કોષો પર ગ્લુકોઝનું સ્વાગત કરવા માટે રહેલ રીસેપ્ટરની સંખ્યા આ દવાથી વધે છે અને ઇન્સ્યુલિનની અસર હેઠળ વધુ પ્રમાણમાં ગ્લુકોઝ શરીરના કોષોમાં ઘૂસી જઇ શકે છે. લિવરમાં નવા ગ્લુકોઝનું ઉત્પાદન આ દવાથી અટકી જાય છે અને આંતરડામાંથી વધુ ગ્લુકોઝ લોહીમાં ભળતો અટકે છે. વળી, આ દવાથી દર્દીની ભૂખ મરી જતી હોવાથી દર્દીનો ખોરાક ઘટે છે જેને લીધે દર્દીનું વજન અને ડાયાબિટીસ બંને કાબૂમાં આવે છે. મેટફોર્મીનથી ગ્લુકોઝ ઉપરાંત લોહીમાંની ચરબી પણ નિયંત્રણમાં આવે છે.
આ દવાના આટલા ફાયદા હોવાં છતાં કેટલાક ગેરફાયદા પણ છે. સૌથી મોટો ગેરફાયદો એની જીવલેણ આડઅસર છે. લેકટીક એસિડોસીસ તરીકે ઓળખાતી આ આડઅસર ફેનફોર્મીન દવાથી ઘણા લોકોમાં અને મેટફોમીંનથી અમુક જ લોકોમાં થતી જોવા મળી છે. ખાસ કરીને જે દર્દીની કિડની ખરાબ થઇ ગઇ હોય તે લોકોમાં આ દવાની આવી ભયાનક આડઅસર જોવા મળે છે. આ સિવાય આ દવાથી ઉલ્ટી, ગભરામણ, ઝાડા, અરુચિ વગેરે સામાન્ય આડઅસરો થાય છે. કયારેક વીટામીન બી-૧૨ની ઉણપ પણ આ દવાથી ઉભી થાય છે.
મોટા ભાગે આ દવાઓ સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાની સાથોસાથ આપવામાં આવે છે. (ખાસ કરીને જે દર્દીમાં એકલી સલ્ફોનાઇલયુરિયા દવા અસર જ કરતી હોય એમાં). જાડા દર્દીઓમાં ખૂબ શરૂઆતના તબકકામાં એકલી મેટફોર્મીન વપરાય છે. આ દવા બાળપણના ડાયાબિટીસ અને સગર્ભાવસ્થાના ડાયાબિટીસ દરમ્યાન ઉપયોગી નથી થતી અને જોખમી સાબિત થાય છે.
એકાર્બોઝ (ગ્લુકોબે, ઈકાર્બ, ડાયાકાર્બ વગેરે) નામ ની દવા આંતરડામાં સ્ટાર્ચ, સુક્રોજ અને માલ્ટોજ નું પાચન બંધ કરી દે છે, જેને કારણે એમાંથી ગ્લુકોઝ છુટો પડવાનું અને પછી લોહીમાં જવાનું ધીમુ થઈ જાય છે. આ દવા લેવાથી આંતરડમાં પચ્યા વગરના ખોરાકી ઘટકો જમા થવાને લીધે ગેસ - અપચો જેવી ફરિયાદ દર્દી કરે છે.
રોસીગ્લીટેઝોન અને પાયોગ્લીટેઝોન નામની ગ્લીટેઝોન જૂથની દવાઓ બાઇગ્વાનાઇડ દવાઓની જેમ કામ કરે છે અને એ ઉપરાંત શરીરમાં ગ્લુકોઝ અને ચરબીનો ઉપયોગ વધારે છે. આ જુથની દવા લેવાથી વજન વધી જવાની શકયતા રહે છે. આ જુથની પહેલી દવા (ટ્રોગ્લીટેઝોન) લેવાથી ઘણાં દર્દીઓના લિવરને ભારે નુકસાન થવાથી મૃત્યુ પણ થયા હતા જેને કારણે આ દવા (ટ્રોગ્લીટેઝોન) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જુથની કોઇ પણ દવા ચાલુ હોય તો થોડા થોડા સમયે લિવરની લેબોરેટરી તપાસ કરાવતા રહેવુ જરૂરી છે.
મેગ્લીટીનાઇડ જુથની દવામાં રેપાગ્લીનાઇડ (યુરેપા, રેપીલીન) અને નેટાગ્લીનાઈડ નો સમાવેશ થાય છે. આ દવાઓ ખોરાક ખાધા પછી તરત લેવાથી લોહીમાં શુગર બહુ વધારે રહેતી નથી. કોઇ વાર શુગર ઘટી જવાની શકયતા આ દવા લેવાથી થઈ શકે છે. લિવરની તકલીફ વાળા દર્દીઓમાં આ દવા ન આપવી જોઇએ.
શરીરમાં ગ્લુકોઝના વપરાશ માટે જરૂરી કુદરતી ઇન્સ્યુલિન શું છે? આખા દિવસમાં ખોરાકના પાચનમાંથી આશરે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ગ્લુકોઝ લોહીમાં પ્રવેશતો હોય છે. ગ્લુકોઝનું લોહીમાં યોગ્ય પ્રમાણ જળવાઇ રહે એ માટે શરીરના ઘણા બધા અવયવો અને અંત:સ્રાવો અવિરત કામ કરતા રહે છે. આંતરડા, લિવર (યકૃત), સ્વાદુપિંડ, સ્નાયુઓ વગેરે અવયવો ગ્લુકોઝના નિયમનમાં કયાંક ને કયાંક ફાળો આપે છે. એ જ રીતે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, એડ્રીનાલીન અને ગ્રોથ હોર્મોન જેવા અંત:સ્રાવો પણ ગ્લુકોઝના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે.
જયારે ખોરાક વાટે એક સાથે ઘણો બધો ગ્લુકોઝનો જથ્થો લોહીમાં પહોંચે ત્યારે, તરત જ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંત:સ્રાવ નીકળવા માંડે છે. આ ઇન્સ્યુલિનની અસર શરીરના ઘણા અવયવો પર થાય છે. સૌથી અગત્યની અસર લિવર, સ્નાયુઓ અને ચરબી કોષો પર થાય છે.
સ્વાદુપિંડમાંથી નીકળેલ ઇન્સ્યુલિન લોહીમાં ભળે છે અને આ લોહી સૌથી પહેલાં લિવરમાં પહોંચે છે. એટલે ઇન્સ્યુલિનની અસર પણ સૌથી પહેલાં લિવર પર થાય છે. લિવર, શરીરમાં પહોંચતા ખોરાકના ઘટકોની બેંક જેવું કામ કરે છે. જયારે શરીરમાં ગ્લુકોઝ વધી જાય ત્યારે, વધારાના પૈસા જેમ બેંકમાં જમા થાય એમ, લિવર અને સ્નાયુઓમાં વધારાનો ગ્લુકોઝ જમા થઇ જાય છે. ઇન્સ્યુલિનની અસર હેઠળ, લિવરમાં પહોંચેલ ગ્લુકોઝ, એકબીજા સાથે જોડાઇને ગ્લાઇકોજન બનાવે છે. આ ગ્લાઇકોજનને બેંકમાં આવતી ચલણી નોટોના થપ્પા સાથે સરખાવી શકાય. જેમ જેમ નવા ને નવા ગ્લુકોઝના ઘટકો લિવરમાં આવતા જાય તેમ તેમ ગ્લાઇકોજનરૂપી થપ્પામાં જોડાતા જાય. ઇન્સ્યુલિનની અસરને કારણે નવો ગ્લાઇકોજન બનવા ઉપરાંત હાજર ગ્લાઇકોજનમાંથી ગ્લુકોઝ ફરી છૂટો ન પડવા લાગે એનું પણ ધ્યાન રહે છે.
શરીરના સ્નાયુકોષો અને ચરબીકોષો પર પણ ઇન્સ્યુલિન નોંધપાત્ર અસર કરે છે. આ કોષો (અને શરીરના મોટા ભાગના બધા કોષો) માં ગ્લુકોઝના પ્રવેશ માટે ઇન્સ્યુલિન જરૂરી બને છે. લોહીમાં ઘણો બધો ગ્લુકોઝ ફરતો હોય તો પણ, ઇન્સ્યુલિન ન હોય ત્યારે આ ગ્લુકોઝ શરીરના કોષોમાં જઇ નથી શકતો. કોષો પર ઇન્સ્યુલિન અસર કરે ત્યારે કોષોના ગ્લુકોઝ માટેનાં પ્રવેશદ્વાર પૂરાં ખૂલી જાય છે અને નવાં પ્રવેશદ્વાર બનવા માંડે છે. પપરિણામે લોહીમાંથી ઝડપભેર ગ્લુકોઝનો જથ્થો કોષોમાં ઠલવાય છે. સ્નાયુકોષોમાં, લિવરની જેમ જ, ગ્લુકોઝનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ચરબીકોષોમાં ગયેલ ગ્લુકોઝ, અન્ય ફેટી એસિડ સાથે જોડાઇને ટ્રાયગ્લીસરાઇડ્સ બનાવે છે, અને એ જ સ્વરૂપે ચરબીકોષોમાં સંઘરાય છે.
આમ, ઇન્સ્યુલિનની અસર હેઠળ, શરીરમાં (ખોરાક લેવાથી) અચાનક વધી ગયેલ ગ્લુકોઝ અને ચરબીના ઘટકો તાત્કાલિક લિવર, સ્નાયુકોષો અને ચરબીકોષોમાં પ્રવેશ અને સંગ્રહ પામે છે. ઇન્સ્યુલિનનો સ્રાવ લોહીમાં ગ્લુકોઝના પ્રમાણ સાથે વધે ઘટે છે. ખોરાકમાં વધુ ગ્લુકોઝ લેવામાં આવ્યો હોય તો ઇન્સ્યુલિન પણ વધુ પ્રમાણમાં ઝરે છે, જે આ ગ્લુકોઝને ઠેકાણે પાડીને જ જંપે છે. લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ જો રહી જાય તો એ ગ્લુકોઝ કિડની વાટે શરીરની બહાર ફેંકાઇ જાય છે પણ એથી ઓછા પ્રમાણમાં ગ્લુકોઝ હોય તો કિડની એક મિ.ગ્રા. ગ્લુકોઝ પણ પેશાબમાં જવા નથી દેતી. ઇન્સ્યુલિનનો સ્રાવ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં થાય તો તંદુરસ્ત વ્યક્તિમાં કદી ગ્લુકોઝનું પ્રમાણ ૧૮૦-૨૦૦ મિ.ગ્રા./ડે.લી કરતાં વધતું નથી. ગ્લુકોઝ ઉપરાંત પ્રોટીનના પાચનથી મળતા એમિનો અસિડ્સ પણ ઇન્સ્યુલિનનો સ્રાવ વધારે છે. જયારે આંતરડામાં ખોરાકનું પાચન થતું હોય ત્યારે આંતરડામાંથી ઝરતા અંત:સ્રાવો સ્વાદુપિંડની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે જેથી થોડોક પણ ગ્લુકોઝ આંતરડામાંથી લોહીમાં આવે કે તરત ઘણા બધા ઇન્સ્યુલિનનો સ્રાવ શરૂ થઇ જાય.
આમ, લોહીમાં ગ્લુકોઝનું એક ચોકકસ મર્યાદિત પ્રમાણ જાળવી રાખવા માટે શરીરના અનેક અવયવો અને અંત:સ્રાવો અવિરતપણે કાર્યશીલ હોય છે. જો આ કામમાં અવરોધ પેદા થાય તો ડાયાબિટીસ (વધુ શુગર) થી માંડીને 'લો બ્લડશુગર' (ઓછી શુગર) જેવા રોગો ઉભા થાય છે.
સામાન્ય વપરાશ માટેનું ઇન્સ્યુલિન ગાય કે ડુકકરના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવે છે. માનવ ઇન્સ્યુલિન અને પ્રાણીઓના ઇન્સ્યુલિનમાં ઘણું બધું સામ્ય હોય છે. (માત્ર એક કે બે ફરક સિવાય). ડાયાબિટીસના દર્દીઓ જેટલા પ્રમાણમાં વધી રહ્યા છે એ જોતા, એટલા પ્રમાણમાં પ્રાણીઓના સ્વાદુપિંડ મેળવવાનું અશકય થઇ જશે એવું લાગતાં હવે ઇન્સ્યુલિન બનાવવાના નવા નુસ્ખાઓ શરૂ થયા છે. આમાં સફળ થયેલ નુસ્ખો જનીન-ઇજનેરી (જેનેટિક એંજિનીયરીંગ)ની મદદથી બનાવવામાં આવતું માનવ ઇન્સ્યુલિન! જી હા, માનવના ઇન્સ્યુલિનમાં એક પણ ફરક વગરનું ઇન્સ્યુલિન, જેનું ઉત્પાદન બેકટેરિયા કરે છે! બેકટેરિયાના કોષોમાં ઇન્સ્યુલિન બનાવતું જનીન (એનું ડી.એન.એ.) દાખલ કરવામાં આવે છે જેને આધારે બેકટેરિયાઓ માત્ર માનવ-ઈન્સ્યુલીનનું જ ઉત્પાદન કર્યા કરે છે. અત્યારે અન્ય ઇન્સ્યુલિન કરતાં મોઘું મળતું આ માનવ-ઇન્સ્યુલિન સમય જતાં સસ્તું થઇ જશે, કારણ કે હવે બેકટેરિયામાં ઇન્સ્યુલિનની ખેતી મોટા પાયે શરૂ થઇ શકશે. આ રીતે મેળવેલ માનવ-ઇન્સ્યુલિનનો બીજો ફાયદો એ છે કે અન્ય ઇન્સ્યુલિનના પ્રમાણમાં આ પ્રકારના જનીન ઇજનેરીની મદદથી મેળવેલ ઇન્સ્યુલિનમાં અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ ઓછું (નહિવત્) હોય છે. એટલે માનવ-ઇન્સ્યુલિન વધુ શુધ્ધ અને વધુ સબળ હોય છે.
પ્રાણી કે માનવ ઇન્સ્યુલિન જયારે શુધ્ધ સ્વરૂપે વાપરવામાં આવે ત્યારે એની અસર અડધા કલાકમાં શરૂ થઇ જાય છે અને છ થી આઠ કલાક સુધી રહે છે. જો કે દરેક વ્યક્તિદીઠ અને એક જ વ્યક્તિમાં જુદા જુદા સમય પ્રમાણે ઇન્સ્યુલિનની અસરનો સમય બદલાયા કરે છે. આ સાદું (પ્લેઇન/રેગ્યુલર) ઇન્સ્યુલિન ચામડી નીચે, નસ વાટે કે સ્નાયુવાટે શરીરમાં દાખલ કરી શકાય છે. એ દેખાવમાં પારદર્શક પ્રવાહી જેવું દેખાય છે. સાદા ઇન્સ્યુલિનની અસર માત્ર છ - આઠ કલાક સુધી રહેતી હોવાથી ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે દરરોજ આ ઇન્સ્યુલિનમાં ત્રણથી ચાર ઇન્જેકશન લેવા પડે છે. ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન ઓછાં લેવાં પડે એ માટે સાદાં ઇન્સ્યુલિનના અમુક રસાયણો (પ્રોટીન, ઝીંક) વગેરે ભેળવવામાં આવે છે. તેથી એક વખત ચામડી નીચે આપેલ ઇન્સ્યુલિન ઇન્જેકશનમાંથી ઇન્સ્યુલિન ધીમે ધીમે લોહીમાં ભળે અને તેથી લાંબા સમય સુધી અસરકારક રહે. આપણે ત્યાં લેન્ટે ઇન્સ્યુલિન તરીકે ઓળખાતું દુધિયા રંગનું ઇન્સ્યુલિન આ હેતુ માટે જ વપરાય છે. લેન્ટે ઇન્સ્યુલિનની અસર આશરે એક થી ત્રણ કલાકમાં શરૂ થાય છે. છ થી બાર કલાકમાં એની મહત્તમ અસર જણાય છે અને અઢાર થી ચોવીસ કલાકે એની અસર પૂરી થાય છે. એન.પી.એચ. ઇન્સ્યુલિન તરીકે ઓળખાતું અન્ય એક ઇન્સ્યુલિન પણ લેન્ટે ઇન્સ્યુલિન જેવી અસર કરે છે. આ સિવાય અલ્ટ્રાલેન્ટે અને પી.ઝેડ.આઇ. તરીકે ઓળખાતાં ઇન્સ્યુલિન પણ મળે છે જેની અસર ખૂબ લાંબો સમય ચાલે છે. આ પ્રકારના ઇન્સ્યુલિનની અસર આશરે ચાર થી છ કલાક પછી શરૂ થાય છે અને આશરે અઠ્ઠાવીસ થી છત્રીસ કલાક સુધી એની અસર ચાલુ રહે છે.
આમ, ઇન્સ્યુલિન ઇન્જેકશનના ત્રણ મુખ્ય પ્રકાર છે. (૧) અલ્પકાલીન અસરવાળું - સાદું ઇન્સ્યુલિન (એકટરેપીડ, રેપીડીકા, આઇલેટીન આર.) (૨) મધ્યકાલીન અસરવાળું - લેન્ટે (મોનોટાર્ડ, લેન્ટાર્ડ, ઝીન્સ્યુલીન, આઇલેટીન-એલ) અને એન.પી.એચ. (ઇન્સ્યુલીટાર્ડ, આઇલેટીન એન) ઇન્સ્યુલિન (૩) દીર્ધકાલીન અસરવાળું - અલ્ટ્રાલેન્ટ (હ્યુમીન્સ્યુલીન-યુ.એલ.) અને પી.ઝેડ.આઇ. ઇન્સ્યુલિન. હવે બજારમાં અલ્પકાલીન અને મધ્યકાલિન અસરવાળાં (સાદું અને લેન્ટે) ઇન્સ્યુલિનનું ૩૦:૭૦ના પ્રમાણમાં તૈયાર કરેલ મિશ્રણ (મીક્ષટાર્ડ, રેપીમીક્ષ) મળે છે, જેનાથી જમ્યા પછી તરતનો ગ્લુકોઝ સાદા ઇન્સ્યુલિનથી અને આખા દિવસનો ગ્લુકોઝ લેન્ટે ઇન્સ્યુલિનથી કાબુમાં આવી જાય છે.
દરેક પ્રકારના ઇન્સ્યુલિનનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી પરિસ્થિતિમાં થાય છે. બધા પ્રકારનાં ઇન્સ્યુલિન માટે એક સરખી સિરીંજ વપરાય છે. જે ઇન્સ્યુલિન સિરીંજ તરીકે ઓળખાય છે. આ સિરીંજમાં એક મિ.લી. જેટલું ઇન્સ્યુલિન સમાઇ શકે છે અને સિરીંજ પર સામાન્ય રીતે ચાળીસ કાપા હોય છે. ઈન્સ્યુલીનનાં સામાન્ય વપરાશનાં ઈન્જેકશનોમાં એક મિ.લિ. પ્રવાહીમાં ૪૦ યુનિટ હોય છે. એટલે દરેક ઈન્સ્યુલીન યુનિટ માટે એક કાપો. જેટલા યુનિટ ઇન્સ્યુલિન આપવું પડતું હોય એટલાં કાપામાંથી તે આપવું પડે છે. ઈન્સ્યુલીનના કેટલાંક ઈન્જેકશનોમાં એક મિ.લિ.માં ૪૦ ને બદલે ૮૦ કે ૧૦૦ યુનિટ હોય એવું પણ આવે છે. આવાં વધુ પાવરનાં ઈન્સ્યુલીન ઈન્જેકશન વાપરતાં પહેલાં એના ડોઝ અંગે ડોકટર પાસેથી વિગતે સમજી લેવું જરૂરી છે. હવે એક વખત વાપરીને ફેંકી દેવાય એવી પ્લાસ્ટીકની ડીસ્પોઝેબલ સિરીંજ પણ મળે છે. પરંતુ એ મોંઘી પડતી હોવાથી મોટા ભાગના દર્દીઓ કાચની વારંવાર વાપરી શકાય એવી સિરીંજ જ વાપરે છે.
ઇન્સ્યુલિન ઇન્જેકશન આપવા માટે સામાન્ય રીતે ૨૫ કે ૨૬ નંબર (ગોજ) ની સોય વાપરવામાં આવે છે. આ સોય પણ વાપરીને ફેંકી દેવાય એવી (ડીસ્પોઝેબલ) અથવા વારંવાર વાપરી શકાય એવી હોય છે. વારંવાર વાપરવાની સોય અથવા સિરીંજને દરેક વપરાશ પહેલાં જંતુમુકત કરવી (ઉકળતા પાણીમાં પંદર મિનિટ સુધી રાખીને ઉકાળવી) જરૂરી છે.
ઈન્જેકશન આપવાની જગ્યાની ચામડીને પણ સ્પિરિટ લગાવી જંતુમુકત કરવી જરૂરી છે. ઈન્જેકશન આપતી વખતે ચામડીને બે આંગળી વચ્ચે પકડીને ઉંચી કરવી અને પછી સોય ચામડીમાં કાટખૂણે દાખલ કરવી. ચામડીની નીચે જ ઇન્સ્યુલિનનું ઈન્જેકશન આપવાનું હોય છે, માટે સોય વધુ ઊંડી સ્નાયુમાં ન જતી રહે એની કાળજી રાખવી. સોય વધુ ઊંડી સ્નાયુમાં જતી રહે તો ઇન્સ્યુલિન ખૂબ ઝડપથી લોહીમાં ભળી જાય છે અને પરિણામે લોહીમાંથી ગ્લુકોઝનું પ્રમાણ પણ વધુ પડતી ઝડપે ઘટી જાય છે.
ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન ચામડી નીચે આપવાનું દર્દીએ જાતે જ શીખી લેવું જરૂરી હોય છે. બાવડા, જાંઘ, પેટ કે કુલાની ચામડી નીચે આ ઇન્જેકશન આપી શકાય! જો એકની એક જગ્યાએ ઇન્સ્યુલિનના ઇન્જેકશન વારંવાર આપવામાં આવે તો ત્યાંની ચામડી નીચેની ચરબી નાશ પામે છે. અને ચામડી બેડોળ તથા કડક બની જાય છે. આવું ન થાય એ માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન શરીરના બધા ભાગ ઉપર વારા ફરતી આપ્યા કરવા જોઇએ.
ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવામાં જેટલી તકેદારી રાખવી પડે એટલી જ તકેદારી એના સંગ્રહ માટે પણ રાખવી જરૂરી છે. ઇન્સ્યુલિનને લાંબા સમય સુધી સંઘરવા માટે હંમેશા ૪ થી ૮ અંશ સે. જેટલાં તાપમાને રાખવું જોઇએ. ફ્રીઝના ફ્રીઝર/ડીપફ્રીઝ સિવાયના બધા ભાગમાં આવું તાપમાન હોય છે. ભૂલથી પણ ડીપફ્રીઝમાં ઇન્સ્યુલિન મુકી દીધું હોય તો એમાં બરફના કણ થઇ જાય છે અને આવું ઇન્સ્યુલિન નકામું થઇ જાય છે. જે ઇન્સ્યુલિનની બોટલ રોજના વપરાશમાં હોય તેને (ખૂબ વધારે ઠંડી ગરમી બાદ કરતાં) રૂમના તાપમાને છ થી સાત અઠવાડિયાં સુધી રાખી શકાય. પરંતુ જો ખૂબ ઉંચા તાપમાને (દા.ત. રણમાં) ઇન્સ્યુલિન રાખવામાં આવે તો એની અસરકારકતા ઘટી જાય છે અને કયારેક ઇન્સ્યુલિન ઇન્જેકશન લેવા છતાં દર્દી ઇન્સ્યુલિનની અછતથી થતાં કોમ્પ્લિકેશન અનુભવવા લાગે છે.
ડાયાબિટીસના ઘણા દર્દીઓએ રોજ જાતે ઇન્જેકશન લેવાનાં હોય છે. આ દર્દીઓને ઘણી વખત ઇન્સ્યુલિન બાટલીમાંથી યોગ્ય માત્રામાં સિરીંજમાં ભરવાનું અને પછી હિંમતભેર પોતાના જ શરીરમાં સોય નાખવાનું ફાવતું નથી હોતું. આવા દર્દીઓ માટે છેલ્લા એક-બે વર્ષથી, ઇન્સ્યુલિન આપોઆપ ઇન્જેકટ કરતું પેન જેવુ સાધન નીકળ્યુ છે. આ સાધનમાં, કેટલા યુનીટનું ઇન્જેકશન આપવાનું છે એ વિગત પેન પરના આંકડાઓ એડજસ્ટ કરીને મૂકી દેવાની હોય છે. પેનના પાછળના ભાગમાં ઇન્સ્યુલિનનું રીફીલ હોય છે અને આગળના ભાગમાં બટન દબાવતાંની સાથે પેનમાંથી બહાર નીકળતી સોય હોય છે. એટલે દર્દી, ચામડી સ્પિરિટથી ચોખ્ખી કરીને પછી પેન ચામડી પર ગોઠવી દે છે પછી માત્ર પેનનું બટન દબાવતાની સાથે જરૂરી માત્રામાં ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થઇ જાય છે.
આમ, ઓછી પીડા અને ઓછી માથાકૂટે ડાયાબિટીસના દર્દીઓ જાતે જ ઇન્સ્યુલિનનાં ઇંજેકશન લઇ શકે એવું સરળ આ સાધન છે. અલબત્ત એ કિંમતમાં ઘણું મોંઘું છે.
કેટલાંક દેશોમાં જેટ ઇન્જેકટર તરીકે ઓળખાતી પદ્ધતિ ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવા માટે વપરાય છે. આ એક 'સોય વગર અપાતું ઇન્જેકશન' છે એવું કહી શકાય. જેટ ઇન્જેકટર દ્વારા ભારે દબાણ હેઠળ ઇન્સ્યુલિનને ચામડીની આરપાર ધકેલવામાં આવે છે. જેટ ઇન્જેકટર દ્વારા અપાયેલ ઇન્સ્યુલિનની અસરકારકતા વધુ હોય છે અને પરિણામે ઓછા ડોઝની જરૂર પડે છે. અલબત્ત, આ પદ્ધતિ પણ 'સોય વગર ઇન્જેકશન' આપતી હોવા છતાં, દર્દ તો આપે જ છે અને જેટ ઇન્જેકટરને જંતુમુકત (સ્ટરીલાઇઝ) કરવાનું મુશ્કેલ હોય છે.
ઇન્સ્યુલિન ઇન્ફયુઝન પમ્પ તરીકે ઓળખાતી કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ પણ આજકાલ પ્રચલિત બની છે. મોબાઇલ ફોનના કદની આ સિસ્ટમ (પમ્પ) નિયત સમયે ચોકકસ ડોઝમાં ઇન્સ્યુલિન દાખલ કરી આપે છે. શરીરની સાથે બેલ્ટથી બંધાયેલા રહેતા પમ્પમાં લાંબાગાળાના પ્રષ્નો આવે છે. (દા.ત. ચેપ લાગવો, જામ થઇ જવું, ઇન્જેકટ ન થઇ શકવું વગેરે). સૌથી લેટેસ્ટ પમ્પ, ચામડીની નીચે મુકવાની ચીપ જેવો છે, જેમાં કોમ્પ્યુટર અને સેન્સરની મદદથી લોહીમાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ અને એ મુજબ શરીરમાં દાખલ કરવાના ઇન્સ્યુલિનનો ડોઝ નકકી થાય અને એ ડોઝ પ્રમાણે ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થાય છે. કૃત્રિમ સ્વાદુપિંડની જેમ જ આ પમ્પ કામ કરે છે. પરંતુ હજી આ પમ્પ સામાન્ય વપરાશ માટે આવ્યો નથી અને એકવાર શરીરમાં મુકયા પછી દોઢ-બે વર્ષે આવો પમ્પ બદલવો પડે છે. ભવિષ્યમાં સસ્તા, સરળ અને સલામત ઇન્સ્યુલિન પમ્પ (કૃત્રિમ સ્વાદુપિંડ) મળતા થઇ જશે તો ડાયાબિટીસના દર્દીઓની માથાકૂટ ઘટી જશે.