ડાયાબિટીસ

અનુક્રમણિકા

1. ડાયાબિટીસ એટલે શું?

જેને આપણે મધુપ્રમેહની બીમારી તરીકે ઓળખીએ છીએ તે ડાયાબિટીસનું આખું નામ છે 'ડાયાબિટીસ મેલાઇટસ'. ડાયાબિટીસ એટલે વધુ પેશાબ અને મેલાઇટસ એટલે મીઠું (મધ જેવું) - મધ જેવો મીઠો પેશાબ એટલે મધુપ્રમેહ ઉર્ફે ડાયાબિટીસ મેલાઇટસ. હવે પછી, સરળતા ખાતર માત્ર ડાયાબિટીસ તરીકે જ રોગનો ઉલ્લેખ કર્યો છે.

ડાયાબિટીસના દર્દીમાં, શરીરના ગ્લુકોઝનું નિયમન કરનાર અંત:સ્રાવ ઇન્સ્યુલિનની અછત વર્તાય છે. ઇન્સ્યુલિનનું મુખ્ય કામ ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચાડવાનુ છે. ઇન્સ્યુલિનની અછતને લીધે ગ્લુકોઝના અણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચી નથી શકતાં. પરિણામે, શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ હોવાં છતાં એનો ઉપયોગ શરીરના કોષો કરી નથી શકતા. શરીરની હાલત ગેરવ્યવસ્થા અને અરાજકતાથી ભરપૂર રાજય જેવી થઇ જાય છે કે જેમાં પુષ્કળ અન્ન પાકતું હોવા છતાં લોકો ભૂખમરાથી મરે છે. શરીરમાં પુષ્કળ ગ્લુકોઝ હોવા છતાં ડાયાબિટીસના દર્દીના કોષો ગ્લુકોઝના અભાવે ટળવળે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ (૧૮૦ મિ.ગ્રા./ડે.લી.થી વધારે) વધી જવાથી લોહીમાંનો વધારાનો ગ્લુકોઝ પેશાબ વાટે શરીરની બહાર નીકળવા માંડે છે. શરીરને પોષણ આપનાર આ મહત્વનો ઘટક આ રીતે વેડફાઇ જવાથી દર્દીની સ્થિતિ કફોડી થઇ જાય છે. એને ખૂબ ભૂખ લાગે છે, તરસ લાગે છે અને ખૂબ પેશાબ થાય છે; અને લાંબે ગાળે આંખ, હ્રદય, કિડની, ચેતાતંતુ વગેરેને નુકસાન થવાથી અનેક કોમ્પ્લિકેશન ઊભા થાય છે.